રાહુલ ગાંધીને દિલ્હીને બદલે મહારાષ્ટ્રની ચૂંટણી યાદ આવી, ઈલેક્શન કમિશન પર લગાવ્યા ગંભીર આરોપો…

નવી દિલ્હી: ગત વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સાથી પક્ષોને (Maharashtra Assembly election)કારમી હાર મળી હતી. પરિણામ જાહેર થયાને બે મહિનાથી વધુ સમય વીતી ચુક્યો છે, એવામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મોટાપ્રમાણમાં ગેરરીતી થઇ હોવાનો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવ્યા છે.
Also read : બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
આવતી કાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, એ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં NCP-શરદ પવારના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના (UBT)ના નેતાઓ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ ત્રણેય પક્ષો મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણી ગઠબંધન બનાવીને લડ્યા હતાં.
અચાનક મતદારો કેવી રીતે વધી ગયા:
રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારા મત ઘટ્યા નથી, પરંતુ ભાજપના મત વધ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં 32 લાખ મતદારો ઉમેરાયા છે, પરંતુ 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે 39 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતાં. તેમણે ચુંટણી પંચને સવાલ પૂછ્યો કે વિધાનસભા ચૂંટણી પહેલા આટલા બધા મતદારો અચાનક ક્યાંથી આવ્યા?
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્ર સરકારના મતે રાજ્યમાં 9.54 કરોડ પુખ્ત વયના લોકો છે. ચૂંટણી પંચના મતે મહારાષ્ટ્રમાં 9.7 કરોડ મતદારો છે. આનો અર્થ એ છે કે કમિશન જનતાને કહી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વસ્તી કરતા વધુ મતદારો છે. આ કેવી રીતે શક્ય બની શકે?”
કમાઠી વિધાનસભા બેઠકનો કેસ:
રાહુલ ગાંધીએ કહ્યું કે કમાઠી વિધાનસભા બેઠક વિસ્તારમાં કોંગ્રેસને લોકસભામાં 1.36 લાખ અને વિધાનસભામાં 1.34 લાખ મત મળ્યા હતા પરંતુ ભાજપના મત 1.19 લાખથી વધીને 1.75 લાખ થયા છે. એનો અર્થ એ થયો કે નવા મતદારોએ ભાજપને મત આપ્યો. બંને ચૂંટણીઓ માટે અમને મતદાર યાદીની વિગતોની જરૂર છે. મોટા પાયે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના દલિત છે. ચૂંટણી પંચ પ્રશ્નોના જવાબ આપતું નથી. ચૂંટણીમાં પારદર્શિતા રાખવા માટે ચૂંટણી પંચ જવાબદાર છે.
Also read : શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ડ્રેસ કોડ યોગ્ય છે!
ચૂંટણી પંચ પાસેથી માંગ:
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે મહારાષ્ટ્રની મતદાર યાદી માંગી. તેમણે પૂછ્યું કે ચૂંટણી પંચ અમને યાદી કેમ નથી આપી રહ્યું. અમને મતદાર યાદીની સંપૂર્ણ માહિતીની જોઈએ છે.
ચૂંટણી કમિશનરની નિમણૂક સામે સવાલ:
ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા રાહુલે કહ્યું કે CJI ને ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી.
સંજય જય રાઉતે શું કહ્યું:
સંજય રાઉતે કહ્યું કે જો ચૂંટણી પંચનો અંતરાત્મા જીવિત હોય તો તેણે રાહુલ ગાંધીના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ, પરંતુ ચૂંટણી પંચ ગુલામ જેવું વર્તન કરી રહ્યું છે. હવે આ 39 લાખ મતદારો બિહાર જશે. આ ફ્લોટિંગ મતદારો છે. મહારાષ્ટ્રમાં અમને હરાવવામાં આવ્યા, હું ચૂંટણી પંચને અપીલ કરીશ કે તેઓ ઉઠે, તમારી ઉપરનું કફન હટાવો અને જવાબ આપો.
Also read : મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક જમીનના ઉપયોગ માટે બિન-કૃષિ મંજૂરીની જરૂર નથી: મહેસૂલ પ્રધાન બાવનકૂળે
સુપ્રિયા સુલેએ આવી રીઈલેક્શનની માંગ કરી:
NCP-શરદ પવારના નેતા સુપ્રિયા સુલેએ કેટલીક બેઠકો પર ફરીથી મતદાન કરાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે અમારા ઉમેદવારો જે મતવિસ્તારોમાં જીત્યા હતા ત્યાં પણ બેલેટ પેપર પર ફરીથી ચૂંટણી થાય. 11 બેઠકો એવી છે જ્યાં ચૂંટણી પ્રતીકો વચ્ચે ગૂંચવણને કારણે અમે ચૂંટણી હારી ગયા. સત્તામાં રહેલા પક્ષે પણ તેનો સ્વીકાર કર્યો છે. અમે ફક્ત ચૂંટણી પંચને નિષ્પક્ષ રહેવાની માંગ કરીએ છીએ.”