રાહુલ ગાંધીનું મગજ ચોરાઈ ગયું છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના એવા આરોપોને નકારી કાઢ્યા હતા કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ દ્વારા રાજ્યમાં 2024ની વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો નિર્ણાયક જનાદેશ ‘ચોરી’ કરીને મેળવવામાં આવ્યો હતો અને એવી શંકા વ્યક્ત કરી હતી કે રાહુલ ગાંધીનું મગજ ચોરાઈ ગયું છે.
નવી દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના પરિણામોએ તેમના પક્ષની શંકાને પુષ્ટિ આપી છે કે વિધાનસભા ચૂંટણીઓ ‘ચોરી’ થઈ હતી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો કે, ‘મશીન રીડેબલ મતદાર યાદી ન આપવાથી અમને ખાતરી થઈ ગઈ છે કે ચૂંટણી પંચ (ઈસી) એ મહારાષ્ટ્રમાં ચૂંટણી ‘ચોરી’ કરવા માટે ભાજપ સાથે સાંઠગાંઠ કરી હતી..
આ જ મુદ્દે ગોવાની રાજધાની પણજી નજીક પત્રકારો સાથે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે મહારાષ્ટ્રમાં મતદાર છેતરપિંડીના દાવા પર રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે, કદાચ, તેમણે (ગાંધી) તેમના (મગજ)ની તપાસ કરવી જોઈએ.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…
‘કાં તો તેમનું મગજ ચોરાઈ ગયું છે અથવા તેમના મગજમાંથી કોઈ ચીપ ગાયબ થઈ છે. તેથી જ તેઓ વારંવાર આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે,’ એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ફડણવીસ પણજીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા જ્યાં તેઓ મુખ્ય મહેમાન હતા.
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 સભ્યોના ગૃહમાંથી 230 બેઠકો પર શાનદાર વિજય મળ્યો હતો. ભાજપે એકલાએ 132 બેઠકો જીતી હતી, જે મહાયુતિના તમામ ઘટકોમાં સૌથી વધુ હતી. તેના સાથી પક્ષો શિવસેના અને એનસીપીએ પણ સારું પ્રદર્શન કર્યું, અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.
કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહા વિકાસ આઘાડી (એમવીએ)ને ઝટકો લાગ્યો હતો. સૌથી જૂની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યું કારણ કે તે ફક્ત 16 બેઠકો જીતી હતી. શરદ પવારની એનસીપી (એસપી)ને ફક્ત 10 બેઠકો મળી હતી, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)ને 20 બેઠકો મળી હતી.