રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…
પરભણી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે મહારાષ્ટ્રના પરભણી શહેરમાં પહોંચ્યા હતા. જ્યાં આ મહિનાની શરૂઆતમાં થયેલી હિંસામાં બે લોકોનાં મોત થયાં હતાં. રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પણ હાજર હતા. રાહુલ ગાંધીએ પરભણી હિંસામાં માર્યા ગયેલા વ્યક્તિના ફોટાને માળા પહેરાવી.
આ પણ વાંચો : હરિયાણાની હોટેલમાં બર્થડે પાર્ટીમાં આવેલા 3 લોકોની ગોળી મારી હત્યા
તમને જણાવી દઈએ કે 10મી ડિસેમ્બરની સાંજે મરાઠવાડામાં આવેલા પરભણી શહેરના રેલવે સ્ટેશનની બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાચની પેટીમાં રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારબાદ પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી.
રાહુલ ગાંધીની મુલાકાત અંગે માહિતી આપતા કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા આંબેડકરવાદી સોમનાથ સૂર્યવંશીના પરિવારજનોને મળશે. આ સિવાય રાહુલ ગાંધી વિજય વાકોડેને પણ મળશે, જેમનું વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં મૃત્યુ થયું હતું.
જોકે, પોલીસ કસ્ટડીમાં સૂર્યવંશીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે આ વ્યક્તિએ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેને ત્રાસ આપવામાં આવ્યો ન હતો અને સીસીટીવી ફૂટેજમાં પણ ક્રૂરતાના કોઈ પુરાવા જોવા મળ્યા નથી. ફડણવીસ પહેલાથી જ પરભણી હિંસાની ન્યાયિક તપાસની જાહેરાત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : અડધી રાતે જંગલમાં ફસાયા સ્કૂલના વિદ્યાર્થીઓ, પ્રશાસનમાં મચ્યો હડકંપ
રાજ્ય ભાજપના અધ્યક્ષ અને મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગાંધીની મુલાકાતને ‘ડ્રામા’ ગણાવી હતી. ‘આવા નાટક કરવાને બદલે, સમાજને રચનાત્મક રીતે કેવી રીતે લાભ પહોંચાડી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,’ એમ તેમણે પત્રકારોને સોમવારે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે ‘ભાજપ અને રાજ્ય સરકાર સમાજ અને તમામ સમુદાયોને એક રાખવા માટે પ્રતિબદ્ધ છે.’