લોન લેવામાં ગેરરીતિઃ ભાજપના રાધાકૃષ્ણ વિખે-પાટીલ સહિત અન્ય ૫૩ સામે ગુનો નોંધાયો…

પુણે: ખેડૂતોના નામે બનાવટી દસ્તાવેજોના આધારે નવ કરોડ રૂપિયાની કથિત લોન લેવા માટે સાકર કારખાનાના ડિરેક્ટરો સહિત મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને અન્ય ૫૩ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાહતામાં આવેલી કોર્ટના નિર્દેશ પ્રમાણે સોમવારે અહિલ્યાનગરના લોની પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવમાં આવ્યો છે.
આરોપીઓમાં પદ્મશ્રી વિખે પાટીલ સહકારી કારખાના (કો-ઓપરેટિવ સાકર કારખાના)ના તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટર્સ તથા બૅંક ઓપ ઈન્ડિયા અને યુનિયન બૅંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓનો સમાવેશ થાય છે. શેરડીના ઉત્પાદક અને કો-ઓપરેટિવ સાકર કારખાનાના સભ્ય બાળાસાહેબ વિખે દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમની ફરિયાદ અનુસાર ૨૦૦૪માં ગેરરીતિ આચરવામાં આવી હતી. સાકર કારખાનાના તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરોએ ખેડૂતોના નામે બનાવટી દસ્તાવેજોના આધારે લોનની માગણી કરી હતી.
ઉપરાંત, બૅંકના અધિકારીઓ સાથે મળીને ૩.૧૧ કરોડ રૂપિયા અને ૫.૭૪ કરોડ રૂપિયા મેળવ્યા હતા. તેમ છતાં ક્યારેય ખેડૂતોના ખાતામાં તે પૈસા જમા થયા જ નહોતા જેના નામે લોનના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. સાકર કારખાનાના અને બૅંકના અધિકારીઓ દ્વારા આ નાણાં પચાવી પાડવામાં આવ્યા હતા. આ સિવાય આરોપીઓએ સરકારની લોન માફીનો કથિત લાભ પણ ઉઠાવ્યો હતો, એવો આક્ષેપ ફરિયાદીએ કરી હતી.