ટેન્કરોમાંથી ડીઝલની ચોરીના રેકેટનો પર્દાફાશ: નવ જણ સામે ગુનો દાખલ
પાલઘર: પાલઘર જિલ્લામાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરતી ટોળકીનો પર્દાફાશ કરીને પોલીસે નવ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. ઓપરેશન દરમિયાન પોલીસે રૂ. 17 લાખની પેટ્રોલિયમ પેદાશો અને ટેન્કર-ટેમ્પો સહિત રૂ. 45 લાખની મતા જપ્ત કરી હતી.
11 જાન્યુઆરીએ ડીઝલ ચોરીના ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મનોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સપ્લાય ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્કવોડે ગુરુવારે વહેલી સવારે રેઇડ પાડી ત્યારે પાલઘરના ચિલ્હાર ફાટા ખાતે હોટેલની પાછળ ટેન્કરોમાંથી ડીઝલની ચોરી થતી હોવાનું જણાયું હતું.
ટેન્કરોમાંથી ડીઝલ ચોરીને ડ્રમમાં ભરવામાં આવતું હતું અને તેને વેચવા માટે ટેમ્પોમાં લઇ જવામાં આવતું હતું. ટેન્કરના સીલ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું ફ્લાઇંગ સ્કવોડ જાણવા મળ્યું હતું. ડીઝલ ચોરી પ્રકાશમાં આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓમાં ટેન્કર અને ટેમ્પોના માલિકો અને ડ્રાઇવરો, ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક તથા પ્લોટના માલિકનો સમાવેશ થાય છે.
ફ્લાઇંગ સ્કવોડે ઓપરેશન દરમિયાન રૂ. 17 લાખની પેટ્રોલિયમ પેદાશો, રૂ. 21 લાખનું ટેન્કર, રૂ. છ લાખનો ટેમ્પો તથા ડીઝલ ચોરવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યાં હતાં. (પીટીઆઇ)