100 કરોડ રૂપિયાનું મળશે વળતરઃ રેસકોર્સ પરના તબેલા દૂર કરાશે

મુંબઈ: મહાલક્ષ્મી ખાતેના રેસકોર્સની ૧૨૦ એકરની જગ્યા પાલિકાના કબજામાં આવી ગઇ હોવાથી હવે મુંબઈ સેન્ટ્રલ પાર્ક તૈયાર કરવાની પ્રક્રિયાને ગતિ મળશે. જોકે આ પાર્ક બનાવતી વખતે અહીંના તબેલાઓ અડચણ બનવાના છે. અહીંના ૬૫૦માંથી ૨૫ ટકા એટલે કે ૧૬૨ તબેલા દૂર કરવામાં આવશે.
આ તબેલાના બદલે પાલિકા રૉયલ ક્લબને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા નુકસાન ભરપાઇ તરીકે આપશે, એવી માહિતી પાલિકાનાં સૂત્રોએ આપી હતી.
રેસકોર્સ ખાતેના રૉયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબે ૯૨.૬૧ એકર જગ્યાનું નૂતનીકરણ કર્યું હતું. ત્યાર બાદ રૉયલ ક્લબે નક્કી કરેલા દરે ભાડું પાલિકાને ભર્યું હતું.
આ જગ્યાએ ૧૨૦.૨૦ એકર જગ્યા પર મુંબઈગરાઓ માટે તમામ સુવિધાઓ સાથેનો મુંબઈ સેન્ટ્રલ પાર્ક પાલિકા તરફથી બનાવવામાં આવનાર છે. રેસકોર્સ પાસે વર્ષોથી મોટા પ્રમાણમાં તબેલાઓ છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસકોર્સની સાથે ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ પ્રોજેક્ટ સાકાર થશે: એકનાથ શિંદે
પાલિકાના તાબામાં આપવામાં આવેલી જગ્યા પર ૬૫૦ તબેલા છે જેમાંથી ૨૫ ટકા તબેલાને બાધિત થશે. તેથી આ તબેલા નવેસરથી બાંધવામાં આવશે.
તબેલા બાંધવા માટે પાલિકાએ અંદાજે રૂ. ૧૦૦ કરોડ આપવા એવી માગણી રૉયલ ક્લબ તરફથી કરવામાં આવી છે.
આ માગણીને પાલિકાએ સકારાત્મક રીતે લીધી છે અને ટૂંક સમયમાં જ રૉયલ ક્લબને રૂ. ૧૦૦ કરોડ ચૂકવવામાં આવશે.
પાલિકાના તાબા હેઠળની રેસકોર્સની જગ્યા પર ૪૨૫ ઝૂંપડાં બનાવવામાં આવ્યાં છે. ઘણા વર્ષથી આ ઝૂંપડાઓ છે. મુંબઈ સેન્ટ્રલ પાર્કને કારણે આ ઝૂંપડાને દૂર કરવામાં આવશે. તેથી એસઆરએ દ્વારા આ ઝૂંપડાવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે.