આમચી મુંબઈમહારાષ્ટ્ર

છોડી જનારાને પાછા લેવામાં આવશે નહીં: ઉદ્ધવ ઠાકરે

મહાવિકાસ આઘાડીએ વિધાનસભાની ચૂંટણી સાથે લડવાની સંયુક્ત રીતે જાહેરાત કરી

મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો વિજય શરૂઆત છે, અંત નથી. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે વિપક્ષી મોરચો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવીને સત્તા સ્થાપન કરશે.

મુંબઈમાં મહાવિકાસ આઘાડીની સંયુક્ત પત્રકાર પરિષદ શનિવારે યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપની આકરી ટીકા કરી હતી.
શરદ પવારે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે તેમણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપ્યું છે.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે લોકસભાના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યની જનતા સત્તામાં બદલાવ ઈચ્છી રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું 22 જાન્યુઆરીએ કાલારામ મંદિરમાં ગયો હતો. 23 જાન્યુઆરીએ નાસિકમાં મેં હાકલ કરી હતી કે ભાજપ મુક્ત રામ જોઈએ છે. અયોધ્યા અને નાસિક ભાજપ મુક્ત રામ બની ગયા છે. જ્યાં રામ છે ત્યાં ભાજપનો પરાજય થયો છે. રામ ભાજપ મુક્ત થઈ ગયા છે.
જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે, શું તેઓ છોડી જનારા લોકોને ફરી પાછા સાથે લેશે? ત્યારે ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો કે બિલકુલ નહીં.

આ પણ વાંચો : Sunetra Pawar કેબિનેટમાં જશે તો અજિત પવાર જૂથમાં ખલબલી મચી જશે?

ત્રણેય પક્ષોએ સાથે મળીને પત્રકાર પરિષદ યોજી હતી. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અમારી બેઠક થઈ ગઈ છે. વિધાનસભામાં બધા સાથે જ રહીશું. અન્ય ઘટક પક્ષકારો સાથ આપશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે. તેથી આપણે ત્યાં પણ મજબૂત થવું પડશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક જૂનું ગીત છે. પારિજાત મારા દરવાજે અને ફૂલ કેમ પાડોશમાં પડે છે? ગીત માણિક વર્માનું છે. તમે નહીં જાણતા હો પણ શરદ પવાર જાણે છે. પાડોશમાં ફૂલ પડતાં હોવા છતાં અમે પારિજાતને પાણી રેડવાનું બંધ કરીશું નહીં. થોડા મહિના પહેલા અમિત શાહે કહ્યું હતું કે નીતીશ કુમાર માટે દરવાજા બંધ છે, ચંદ્રાબાબુ માટે બંધ છે.

તેમના જ લોકોએ કહ્યું કે બંધારણ બદલાવા જઈ રહ્યું છે. તેમણે જ આ નેરેટિવ રચી હતી. શું થયું અચ્છે દીનની વાતોનું? 15 લાખનું શું થયું? જો આપણે 2014 સુધીની બાબતોને લઈએ, તો નેરેટિવ કોણે સેટ કર્યું હતું? એવા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ટોણો માર્યો હતો.

અમારી વચ્ચે કોઈ મોટો ભાઈ કે નાનો ભાઈ નથી. અમે સાથે મળીને ચર્ચા કરી છે. પ્રાથમિક ચર્ચા થઈ છે. અગાઉની વિધાનસભાના આધારે બેઠકો ફાળવવામાં આવશે. અમારી પાસે કોઈ કિંતુ-પરંતુ નથી એમ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button