અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ક્વિક લોનને બહાને છેતરનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોગસ કૉલ સેન્ટરના માધ્યમથી અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ક્વિક લોનને બહાને છેતરનારા પાંચ આરોપીની મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. વિદેશી નાગરિકો પાસેથી મેળવેલાં ડૉલર ગિફ્ટ કાર્ડને ભારતીય નાણાંમાં ક્ધવર્ટ કરી આપનારા ગુજરાતના સુરતમાં રહેતા યુવાનની પોલીસ શોધ ચલાવી રહી છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ સાગર રાજેશ ગુપ્તા (27), અભિષેક સૂર્યપ્રકાશ સિંહ (28)ે, તન્મય કુમાર રજનીશ ધાડસિંહ (27), શૈલેષ મનોહર શેટ્ટી (27) અને રોશન મોહમ્મદ અન્સારી (28) તરીકે થઈ હતી. તેમની પાસેથી 11 મોબાઈલ ફોન, બે લૅપટોપ, બે રાઉટર્સ અને 76 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આપણ વાચો: મહિને 10 ટકાના વળતરની લાલચે અનેકને છેતરનારા ચાર પકડાયા…
મુલુંડમાં આવેલી મુલુંડ કોલોનીના એક ઘરમાં સાગર ગુપ્તા તેના સાથીઓની મદદથી વિદેશી નાગરિકોને છેતરવા બોગસ કૉલ સેન્ટર ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે મંગળવારે મુલુંડ પોલીસે સંબંધિત ઘર પર રેઇડ કરી પાંચેય આરોપીને તાબામાં લીધા હતા.
કૉલ સેન્ટરના માધ્યમથી આરોપીઓ અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ક્લિક લોનની ઑફર આપતા હતા. આ માટે આરોપી મેસેજ અને વૉઈલ મેઈલ મોકલાવતા હતા. લોન લેવા ઇચ્છુક નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફી પેટે ડૉલર ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં નાણાં પડાવતા હતા.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ કૉલ સેન્ટર સાથે સુરતનો પ્રશાંત રાજપૂત પણ સંડોવાયેલો છે. તે ડૉલર ગિફ્ટ કાર્ડને ભારતીય કરન્સીમાં ક્ધવર્ટ કરવામાં મદદ કરતો હતો. પોલીસ રાજપૂતની તપાસ કરી રહી છે. આ પ્રકરણે મુલુંડ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



