પુણેમાં રેવ પાર્ટીમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડ: પોલીસ કાર્યવાહીમાં કશું ખોટું કરાયું નથી અજિત પવારનું નિવેદન | મુંબઈ સમાચાર

પુણેમાં રેવ પાર્ટીમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડ: પોલીસ કાર્યવાહીમાં કશું ખોટું કરાયું નથી અજિત પવારનું નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પુણે ક્રાઈમ બ્રાન્ચે પુણેના ખરાડી વિસ્તારમાં એક સોસાયટીમાં રેવ પાર્ટી પર દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. આ કથિત રેવ પાર્ટીમાં, એનસીપી (એસપી) પાર્ટીના નેતા રોહિણી ખડસેના પતિ એડવોકેટ પ્રાંજલ ખેવલકરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ દરોડામાં કોકેન, ગાંજા અને અન્ય માદક દ્રવ્યો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં પ્રાંજલ ખેવલકર સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પુણે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, ‘પોલીસ આ રેવ પાર્ટી કેસમાં યોગ્ય રીતે તપાસ કરી રહી છે. કોઈને પણ અન્યાય કરવા માગતા નથી અને આ કાર્યવાહી પાછળ કોઈ વિશેષ કારણ નથી,’ એમ અજિત પવારે કહ્યું હતું.

‘પુણેના કમિશનર કાયદા અને નિયમો અનુસાર પુણેમાં રેવ પાર્ટીની ઘટનાની તપાસ કરી રહ્યા છે. તે સ્થળે મળેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈની સાથે ખોટું વર્તન કરવાનો હેતુ નથી અને કોઈ પણ કશું ખોટું કરવા માગતું નથી,’ એમ અજિત પવારે કહ્યું હતું.

આપણ વાંચો: મહાયુતિ સરકારના પતનના એંધાણ: મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલે છે: રોહિણી ખડસે

જમાઈની રેવ પાર્ટીમાં ધરપકડ થયા પછી એકનાથ ખડસેએ શું કહ્યું?

એકનાથ ખડસેએ કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં જે વાતાવરણ ચાલી રહ્યું હતું તેનાથી હું અનુમાન કરી રહ્યો હતો કે આવું કંઈક થઈ શકે છે. મેં ચેનલ દ્વારા પુણેમાં બનેલી ઘટના જોઈ. મેં તેમની (પ્રાંજલ ખેવલકર) સાથે વાત કરી નથી. તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. જો પુણેમાં બનેલી ઘટના ખરેખર રેવ પાર્ટી હોત અને મારો જમાઈ તેમાં હોત, તો હું ક્યારેય તેનું સમર્થન નહીં કરું.’

એકનાથ ખડસેએ વધુમાં કહ્યું હતું કે, પોલીસ તંત્રે ખરેખર યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ, પરંતુ કેટલીક જગ્યાએ એવું બને છે કે પોલીસ તંત્ર યોગ્ય રીતે તપાસ કરતું નથી. લોકોના મનમાં આવી છબી છે. જો આ બાબતમાં તથ્ય હશે, તો હું ક્યારેય તેમનું સમર્થન નહીં કરું પછી ભલે તે મારો જમાઈ હોય, પરંતુ જો જાણી જોઈને અમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે, તો તે પણ સહન કરવામાં આવશે નહીં.

આપણ વાંચો: કેસરિયા કરવા જઈ રહેલા એકનાથ ખડસેને ભાજપના જ નેતાએ કહી સંભળાવી દીધું, કહ્યું,’એ તો…’

એકનાથ ખડસેના ‘અમારી સામે છટકું ગોઠવવામાં આવશે એવી ભીતી હતી’ એવા નિવેદન પછી તેમના રાજકીય વિરોધી અને ભાજપના નેતા ગિરીશ મહાજને આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જો ખડસેને ખ્યાલ હતો કે છટકું ગોઠવવામાં આવશે, તો તેમણે જમાઈને પહેલેથી ચેતવણી આપવી જોઈતી હતી.

ગિરિશ મહાજને આગળ કહ્યું, મને લાગે છે કે ખડસેનું નિવેદન અર્થહીન છે. જે બન્યું તે સ્વીકારવું જોઈએ. તપાસ પછી, જે દોષી છે તેમને સજા થશે. જ્યારે કંઈક થાય છે, ત્યારે તેઓ કહે છે કે કાવતરું હતું.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: એકનાથ ખડસેની ભાજપમાં ઘરવાપસી નિશ્ચિત

આ કાર્યવાહી પાછળ રાજકીય હેતુ: વિદ્યા ચવ્હાણ

પ્રાંજલ ખેવલકરની ધરપકડ બાદ, એનસીપી (એસપી)ના પ્રવક્તા વિદ્યા ચવ્હાણે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી, એનસીપી (એસપી)ના નેતા અને મહિલા આઘાડીના પ્રદેશ પ્રમુખ રોહિણી ખડસે સરકારની આક્રમક ટીકા કરી રહ્યા છે.

અત્યારે રાજ્યમાં એવી સ્થિતિ છે કે જો કોઈ સરકાર વિરુદ્ધ બોલતું જોવા મળે, તો તેને સીધા હેરાન કરવાને બદલે, તેમના પરિવારને સતામણી કરવામાં આવતી હોય છે. ત્રાસ આપવાની એક નવી પદ્ધતિ શરૂ થઈ છે. જે લોકો વિરોધમાં બોલે છે તેમને સીધું કંઈ કરી શકાતું નથી, તેથી પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે,’ એવો આરોપ વિદ્યા ચવ્હાણે લગાવ્યો હતો.

આપણ વાંચો: તબિયત સારી થતાં ખડસેએ સીએમ શિંદેને ફોન કરી આભાર વ્યક્ત કર્યો

પ્રાંજલ ખેવલકર કોણ છે?

પ્રાંજલ ખેવલકર એનસીપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના જમાઈ છે. તેઓ એનસીપીની મહિલા આઘાડીના પ્રદેશ પ્રમુખ રોહિણી ખડસેના બીજા પતિ છે. પહેલા પતિથી છૂટાછેડા લીધા પછી, રોહિણીએ તેના બાળપણના મિત્ર પ્રાંજલ ખેવલકર સાથે લગ્ન કર્યા હતા.

ખેવલકર અને ખડસે બંને પરિવારો હાલમાં જળગાંવના મુક્તાઈનગરમાં રહે છે. પ્રાંજલ ખેવલકર જમીનની ખરીદ-વેચાણનો વ્યવસાય કરે છે. ખેવલકર પરિવારનો મુખ્ય વ્યવસાય બાંધકામ ક્ષેત્ર, ઇવેન્ટ મેનેજમેન્ટ છે. ખેવલકર ખાંડ ઉદ્યોગ અને ઉર્જા ક્ષેત્રમાં પણ સક્રિય છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button