પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર

મુંબઈ: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થયેલા રીઢા આરોપીની ધરપકડ કરવા માટે તેના વિશે માહિતી આપનારને પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટના બાદથી ફરાર આરોપી દત્તાત્રય રામદાસ ગાડે (37)ને પકડવા પોલીસની 13 ટીમ કામે લાગી છે.
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે આરોપીના ઠેકાણા વિશે માહિતી આપનારી વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
આપણ વાંચો: પુણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મહિલા પર બળાત્કાર: રીઢો આરોપી ફરાર
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ગાડે વિશે માહિતી 020-24442769 અથવા 9881670659 નંબર પર આપી શકાય છે. માહિતી આપનારી વ્યક્તિની ઓળખ છૂપી રાખવામાં આવશે.
આરોપી ગાડે વિરુદ્ધ પુણે અને અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેન સ્નેચિંગના અડધો ડઝન ગુના નોંધાયેલા છે. પુણેના શિરુર તાલુકાના ગુનાટનો રહેવાસી ગાડે એક રાજકીય પક્ષના વિધાનસભ્યનો કાર્યકર્તા હોવાનું પણ કહેવાય છે.
ચોરીના કેસમાં પકડાયેલો ગાડે 2019માં જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. 2024માં ફરી પુણેમાં તેની વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરાયો હતો.
આપણ વાંચો: બસમાં યુવતી પર થયેલા બળાત્કાર મુદ્દે સુપ્રિયા સુળેએ તંત્રની કાઢી ઝાટકણી
આરોપી ગાડે અવારનવાર સ્વારગેટ બસ સ્ટેશન ખાતે આવતો હતો. મંગળવારે તેણે યુવતી પર બસમાં બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડેનાં માતા-પિતા તથા ભાઇને પૂછપરછ માટે તાબામાં લીધા છે.
ઉપરાંત તેની ગર્લફ્રેન્ડ તેમ જ 10 મિત્રોની પણ પૂછપરછ કરાઇ હતી. ગર્લફ્રેન્ડે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે જે બહેનપણીઓના સંપર્કમાં છે તેના મોબાઇલ નંબર ગાડેએ માગ્યા હતા. તેમને પણ ગાડેએ ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પીડિત યુવતી મંગળવારે વહેલી સવારે સાતારા જિલ્લાના ફલટન ખાતે જવા માટે સ્વારગેટ બસ સ્ટેશનના એક પ્લેટફોર્મ પર બસની રાહ જોઇ રહી હતી ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને તેને ‘દીદી’ કહીને બોલાવી હતી. સાતારા માટેની બસ અન્ય પ્લેટફોર્મ પર આવી હોવાનું કહીંને ગાડે તેને નજીકમાં પાર્ક કરાયેલી શિવ શાહીની એસી બસમાં લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.