કુરિયર ડિવિલરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં ઘૂસી આઇટી પ્રોફેશનલ પર બળાત્કાર: શકમંદ પકડાયો…

પુણે: પુણેમાં કુરિયર ડિલિવરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં ઘૂસીને 22 વર્ષની આઇટી પ્રોફેશનલ પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાના બે દિવસ બાદ પોલીસે શકમંદને પકડી પાડ્યો હતો. શકમંદના ભૂતકાળમાં પીડિતા સાથે સંબંધ હતા કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પુણેના કોંઢવા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં બુધવારે સાંજે 7.30 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ પીડિતાના મોબાઇલથી સેલ્ફી લીધી હતી જેમાં તેની પીઠ અને આંશિક ચહેરો દેખાય છે. આરોપીએ પીડિતાના મોબાઇલમાં મેસેજ છોડ્યો હતો, જેમાં ધમકી આપી હતી કે આ ઘટનાની જાણ કોઇને પણ ન કરે, કારણ કે મેં તારા ફોટા લીધા છે જેને હું સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશ. આરોપીએ એમ પણ લખ્યું હતું કે ‘હું પાછો આવીશ.’
પીડિતાએ શહેરની કોલેજમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે અને તે ખાનગી કંપનીમાં કામ કરે છે.
ઘટના સમયે પીડિતાનો ભાઇ શહેરની બહાર ગયો હોવાથી તે ફ્લેટમાં એકલી જ હતી. દરમિયાન કુરિયર ડિલિવરી એજન્ટના સ્વાંગમાં આવેલા આરોપીએ બૅંક સંબંધી દસ્તાવેજો લઇને આવ્યો હોવાનું જણાવીને પીડિતાના ફ્લેટમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે પીડિતા પાસે પેન માગી હતી. પીડિતા પેન લેવા ગઇ ત્યારે આરોપીએ ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એ સમયે તે બેભાન થઇ ગઇ હતી અને એક કલાક બાદ તે ભાનમાં આવી ત્યારે આરોપી ગાયબ થઇ ગયો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો : પુણેમાં કારમાં હાજર સગીરાની જાતીય સતામણી, ત્રણ મહિલાના દાગીના લૂંટ્યા…