પૂણે પોર્શ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં, પોલીસ સગીર આરોપીઓને છોડવાના નિર્ણયને પડકારશે
પૂણેઃ મે મહિનામાં પૂણે ખાતે થયેલા પોર્શ કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરની મુક્તિ માટેના બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવા માટે પુણે પોલીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પાસેથી મંજૂરી મેળવી લીધી છે. પૂણે પોલીસે રાજ્ય સરકાર પાસે હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની પરવાનગી માંગી હતી. હાઈકોર્ટે 25 જૂને કિશોર આરોપીને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
19 મેના રોજ અકસ્માતના કલાકો બાદ જામીન પર મુક્ત કરાયેલા કિશોરને ત્રણ દિવસ પછી લોક આક્રોશના પગલે મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ, કિશોર ઓબ્ઝર્વેશન હોમમાંથી બહાર આવી ગયો હતો, જ્યારે તેની કસ્ટડી તેની કાકીને સોંપવામાં આવી હતી. આ આદેશ છોકરાની કાકી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યો હતો, જેણે દાવો કર્યો હતો કે તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે 19 મેના રોજ વહેલી સવારે શહેરના કલ્યાણી નગર વિસ્તારમાં જ્યારે કારે એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી ત્યારે સગીર દારૂના નશામાં હતો અને તેના પિતાની પોર્શ ચલાવતો હતો, જેમાં બે આઇટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. કિશોરના માતા-પિતા અને દાદા હાલમાં આ ઘટનાને લગતા બે અલગ-અલગ કેસમાં જેલમાં છે. આમાંથી એક કેસમાં સગીરના લોહીના સેમ્પલ બદલવાનો આરોપ છે અને બીજો કથિત અપહરણ અને પરિવારના ડ્રાઇવરની ખોટી રીતે અટકાયત કરવાનો કેસ છે. આ કેસમાં ડ્રાઇવરને અકસ્માત થયો ત્યારે તે કાર ચલાવી રહ્યો હતો એમ કહેવા માટે અને દોષનો ટોપલો પોતાને માથે લેવા માટે ધમકી આપવામાં આવી હતી અને તેને ખોટી રીતે કેદમાં રાખવામાં આવ્યો હતો.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે અકસ્માતના દિવસે સગીરને જામીન આપ્યા હતા અને તેને તેના માતા-પિતા અને દાદા સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, કિશોરને માર્ગ સલામતી પર 300 શબ્દોનો નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ જેજેબીના આ નિર્ણય સામે લોકોના આક્રોશ બાદ પોલીસે બોર્ડ સમક્ષ અરજી કરી જામીનના આદેશમાં સુધારો કરવાની વિનંતી કરી હતી. 22 મેના રોજ બોર્ડે સગીરને કસ્ટડીમાં લેવા અને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
Also Read –