પુણે પોર્શે કાર કેસ: આરોપીને પુખ્ય વયનો ગણવાનો જેજેબીએ ઇનકાર કરતાં પોલીસની સેશન્સ કોર્ટમાં અરજી | મુંબઈ સમાચાર

પુણે પોર્શે કાર કેસ: આરોપીને પુખ્ય વયનો ગણવાનો જેજેબીએ ઇનકાર કરતાં પોલીસની સેશન્સ કોર્ટમાં અરજી

પુણે: પુણેના કલ્યાણીનગરમાં પોર્શે કાર બે આશાસ્પદ સોફ્ટવેર એન્જિનિયર પર ચડાવીને તેમનાં મૃત્યુ માટે કારણભૂત બનેલા બિલ્ડરના 17 વર્ષના પુત્ર સામે પુખ્ત તરીકે ખટલો ચલાવવા માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે (જેજેબી) ઇનકાર કરતાં પોલીસે તેની સામે પડકાર ફેંકતી અરજી સેશન્સ કોર્ટમાં કરી છે.

પુણેના જાણીતા બિલ્ડરના સગીર પુત્રએ મે, 2024માં નશામાં પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટાનાં મોત થયાં હતાં. આ ઘટનાએ દેશભરમાં ચકચાર જગાવી હતી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ગયા મહિને પુણે પોલીસની સગીર આરોપીને પુખ્ત વયનો ગણવાની અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે ગુનાને ‘જઘન્ય’ ગણી શકાય નહીં.

આ પણ વાંચો: પુણે પોર્શે કાર કેસ:સગીર આરોપીને પુખ્ત વયનો ગણવાનો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો ઇનકાર…

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસેથી જરૂરી પરવાનગી મેળવ્યા બાદ પોલીસે સેશન્સ કોર્ટમાં 4 ઑગસ્ટે જેજેબીના આદેશને પડકાર્યો હતો.

વિશેષ સરકારી વકીલ શિશિર હિરેની સહાય કરતા એડવોકેટ સારથિ પાનસરેએ જણાવ્યું હતું કે સગીર આરોપી નશામાં કાર હંકારવાનું શું પરિણામ આવી શકે તેનું સંપૂર્ણ ભાન ધરાવતો હતો, એવું કોર્ટમાં દાખલ અરજીમાં જણાવાયું છે. અમે આરોપીનું માનસિક આકલન કરવા માગીએ છીએ અને તેને પુખ્ત જાહેર કરાય પછી જ તે કરીશું. આ એક અપવાદરૂપ કેસ છે અને સગીરને પુખ્ય વયનો ગણવો જોઇએ.

આ પણ વાંચો: પુણે પોર્શે કાર કેસના આરોપી ડૉક્ટરની કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટમાં ધરપકડ

અત્રે ઉલ્લેખનીય છે કે 19 મે, 2024ના રોજ થયેલા અકસ્માત બાદ આરોપીને કલાકોમાં જામીન અપાયા હતા. તેને માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ લખવાની સજા આપવામાં આવી હતી. દરમિયાન પચીસમી જૂન, 2024ના રોજ મુંબઈ હાઇ કોર્ટે આરોપીને તુરંત છોડી દેવાના નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતું કે તેને રિમાન્ડ પર રાખવાનું અનધિકૃત છે અને જુવેનાઇલ કાયદાનો સંપૂર્ણ અમલ થવો જોઇએ.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button