પુણે પોર્શે કાર કેસ:સગીર આરોપીને પુખ્ત વયનો ગણવાનો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો ઇનકાર…

પુણે: ગયા વર્ષે નશામાં પોર્શે કાર હંકારીને બે જણને કચડી નાખનારા 17 વર્ષના આરોપીને આ કેસના ખટલામાં પુખ્ય વયનો ગણવામાં આવે એવી પુણે પોલીસની અરજીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મંગળવારે ફગાવી દીધી હતી. પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં 19 મે, 2024ના રોજ આ અકસ્માત થયો હતો, જેમાં આઇટી પ્રોફેશનલ અનિશ અવધિયા અને અશ્વિની કોસ્ટાનાં મોત થયાં હતાં. બંને મોટરસાઇકલ પર જઇ રહ્યાં હતાં ત્યારે પોર્શે કારે તેમને કચડ્યાં હતાં.
પુણે પોલીસે ગયા વર્ષે આરોપીને પુખ્ય વયનો ગણવામાં આવે એવી માગણી કરતાં જણાવ્યું હતું કે તેણે ‘જઘન્ય’ ગુનો કર્યો છે, જેમાં બે વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવામાં આવી હતી તેમ જ પુરાવા સાથે ચેડાં કરવાનો પણ પ્રયાસ કરાયો હતો.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મંગળવારે આરોપીને પુખ્ય વયનો ગણીને ખટલો ચલાવવાની પોલીસની અરજીને ફગાવી દીધી હતી, એમ બચાવ પક્ષના વકીલ પ્રશાંત પાટીલે કહ્યું હતું.
પાટીલે જણાવ્યું હતું કે તેમણે કેટલાક કેસનો ઉલ્લેખ કરીને ફરિયાદ પક્ષની અરજીનો વિરોધ કર્યો હતો. ‘કોઇ ચોક્કસ ગુનો જઘન્ય છે એવી વ્યાખ્યા કરવા ફરિયાદ પક્ષ પાસે એક કલમ (કેસમાં દાખલ) હોવી જોઇએ જેમાં ઓછામાં ઓછી સાત વર્ષની સજા હોય. હાલના કેસમાં એક પણ કલમ એવી નથી જેમાં ઓછામાં ઓછી સાત વર્ષની સજા હોય.‘ આથી અમે દલીલ કરી હતી કે આ અરજી કેવી રીતે ટકી શકે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…પુણે પોર્શે કાર અકસ્માત:ટીનએજરના પિતા-દાદા વિરુદ્ધ આત્મહત્યા,માટે પ્રવૃત્ત કરવાનો પણ ગુનો નોંધાયો