પુણે પોર્શે કાર કેસ: સગીર ડ્રાઇવરના મિત્રના પિતાની આગોતરા જામીનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હી: પુણે પોર્શે કાર અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે સગીર આરોપીના પિતાને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અકસ્માતમાં બે જણનાં મોત થયા હતા. બૉમ્બે હાઇ કોર્ટે સગીર ડ્રાઇવરના મિત્રના પિતા અરુણકુમાર દેવનાથ સિંહને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના નિર્ણયને બહાલી આપી હતી.
‘તમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. અમે તેમાં દખલગીરી નહીં કરી શકીએ’, એમ કોર્ટે જણાવ્યું હતું. અરજદારનો સગીર પુત્ર પોર્શે કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પર હતો અને અન્ય સગીર કાર ચલાવી રહ્યો હતો. બન્ને જણ દારૂના નશામાં હતા.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત: કોર્ટે સગીરનાં માતા-પિતા, અન્ય ચારના જામીન નકાર્યા
૧૯મી મેની વહેલી સવારે પોર્શે કાર દ્વારા એક મોટરબાઇને ટક્કર આપવામાં આવી હતી જેમાં આઇઆઇટી પ્રોફેશનલ એક મહિલા અને પુરુષનાં મોત થયા હતા.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત: લોહીના નમૂનાની અદલાબદલી બદલ વધુ બેની ધરપકડ
બન્ને સગીરના પિતાએ લોહીના નમૂના બદલવા માટે ડૉક્ટરોને લાંચ આપી હતી. ૨૩મી ઓક્ટોબરે હાઇ કોર્ટે નોંધ્યું હતું કે સગીર આરોપીઓને મુક્ત કરવા માટે તેમના લોહીના નમૂના બદલી કરવામાં આવ્યા હતા. અરજદાર ફરાર થવાથી તપાસમાં સમસ્યા ઊભી થઇ શકે છે એવી તપાસકર્તાની દલીલને માન્ય રાખી હાઇ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.
(પીટીઆઇ)