પુણે પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું પુણે પોલીસે નક્કી કર્યું
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરને છોડી મૂકવાના હાઇ કોર્ટના આદેશ સામે પુણે પોલીસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું નક્કી કર્યું છે.
મુંબઈ હાઇ કોર્ટે 25 જૂને સગીરને ત્વરિત છોડી મૂકવાના નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે સગીરને રિમાન્ડ આપી બાળ સુધારગૃહમાં મોકલી આપવાનો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)નો આદેશ અનધિકૃત છે અને જ્યુવેનાઇલ સંબંધી કાયદાનો સંપૂર્ણ અમલ થવો જરૂરી છે.
આ પણ વાંચો: પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ
19 મેના મળસકે અકસ્માત બાદ ગણતરીના કલાકોમાં બોર્ડે આરોપીને હળવી શરતો પર છોડી મૂક્યો હતો. જોકે બાદમાં દેશભરમાં ભારે ઊહાપોહ મચી જતાં ત્રણ દિવસ બાદ ફરીથી સગીરને રિમાન્ડ પર લઇને બાળ સુધારગૃહમાં મોકલી દેવાયો હતો.
બાદમાં સગીરની દિલ્હીમાં રહેતી ફઇએ બોર્ડના આદેશ સામે હાઇ કોર્ટમાં અરજી કરી હતી, જેને આધારે હાઇ કોર્ટે બોર્ડ અને પોલીસ પર આકરો ઠપકો મૂકીને સગીરને જામીન આપ્યા હતા.
પુણે પોલીસ હવે હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની યોજના બનાવી રહી છે, એમ પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી
પોલીસના જણાવ્યા અનુસાર 19 મેના મળસકે રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રે દારૂના નશામાં પોર્શે કાર હંકારીને કલ્યાણીનગર જંકશન પર મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી, જેમાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. આ ઘટનાને લગતા બે અલગ અલગ કેસમાં સગીરના માતા-પિતા અને દાદાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
(પીટીઆઇ)