પુણેમાં મહિલા પોલીસ અધિકારીનો વિનયભંગ: ભાજપના નેતા વિરુદ્ધ ગુનો

પુણે: પુણેમાં ચાના સ્ટૉલ નજીક મહિલા પોલીસ અધિકારી સાથે બેહૂદું વર્તન કરવા બદલ ભાજપના નેતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી આ ઘટનાને કારણે હોબાળો મચતાં આરોપી નેતાએ પક્ષમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
મહિલા અધિકારીની ફરિયાદને આધારે ફરાસખાના પોલીસે આરોપી પ્રમોદ કોંઢરે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પુણેના શનિવારવાડા વિસ્તારમાં સોમવારે ચાના એક સ્ટોલ નજીક આ ઘટના બની હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોંઢરેએ મહિલા અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. મહિલા અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે કોંઢરેએ તેની સાથે કરેલું શરમજનક કૃત્ય સીસીટીવી કૅમેરામાં કેદ થયું હતું. ફૂટેજ જોયા પછી ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 75 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બસમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ
દરમિયાન ભાજપના શહેર એકમના અધ્યક્ષ ધીરજ ઘાટેએ જણાવ્યું હતું કે કોંઢરેએ શહેર એકમના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને પક્ષે તે સ્વીકાર્યું હતું.
રાજીનામામાં કોંઢરેએ જણાવ્યું હતું કે તેની વિરુદ્ધની તપાસ પૂરી થાય ત્યાં સુધી તેને પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. અમે તેનું રાજીનામું માન્ય રાખ્યું હતું, એવું ઘાટેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)