પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયો: 10 આરોપીઓની પોલીસ કસ્ટડી 3 જુલાઇ સુધી લંબાવાઇ
પુણે: પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયોના કેસમાં ધરપકડ કરાયેલા 10 આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે સોમવારે 3 જુલાઇ સુધી લંબાવી હતી.
લિક્વિડ, લીઝર, લાઉન્જ (એલ3) સાથે સંકળાયેલા સંતોષ કામઠે, વિઠ્ઠલ કામઠે, અક્ષય કામઠે, યોગેન્દ્ર ગિરાસે, રવિ મહેશ્ર્વરી, દિનેશ માનકર, રોહન ગાયકવાડ અને માનસ મલિક તથા વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડેલા નીતિન થોમ્બ્રે અને કરણ મિશ્રાને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પુણેમાં વહેલી સવાર સુધી બાર ચાલુ રાખવા , બદલ આઠની ધરપકડ: ચાર પોલીસ સસ્પેન્ડ
તપાસકર્તા પક્ષે કોર્ટને કહ્યું હતું કે તેઓ આ કેસમાં કથિત ડ્રગ પેડલર્સ સાથે આરોપીઓની કડી અંગે તપાસ કરવા માગતા હોવાથી તેમની વધુ કસ્ટડીની જરૂર છે. આરોપી અભિષેક સોનાવણેએ નીતિન થોમ્બ્રે અને મિશ્રાને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું અને પોલીસ મુખ્ય ડ્રગ પેડલર સુધી પહોંચવા માગે છે.
પોલીસે જણાવ્યું હતું કે મિશ્રા અને થોમ્બ્રેને ડ્રગ્સ સપ્લાય કરનારા અભિષેક, ઓમકાર સકટ અને નાઇજીરિયનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અભિષેકને ડ્રગ્સ સપ્લાય કરનારા આર્યન પાટીલ અને અક્ષય સ્વામી પણ પકડાયા હતા. પાટીલ અને સ્વામીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા પંદર પર પહોંચી હતી.
આ પણ વાંચો: નાર્કો ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર વિશે સત્ય બહાર લાવે છે એનો પુત્ર!
વાયરલ થયેલા વીડિયોમાં થોમ્બ્રે અને મિશ્રા એલ3 બારના ટોઇલેટમાં ડ્રગ્સ સાથે નજરે પડ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી. વહેલી સવાર સુધી બાર ચાલુ રાખવા બદલ ગુનો દાખલ કરાયો હતો. એક્સાઇઝ વિભાગે ગુનો કર્યા બાદ બારનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. પુણે પાલિકાએ બારના અનધિકૃત બાંધકામો તોડી પાડ્યા હતા અને બારના માલિકો એમઆરટીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
(પીટીઆઇ)