સાંતાક્રુઝની શાળામાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પ્યૂનની ધરપકડ
બાળકીને ધમકાવી ત્રણ મહિનાથી શાળાના સ્ટોર રૂમમાં આરોપી કુકર્મ કરતો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝમાં આવેલી શાળાના પરિસરમાં છેલ્લા ત્રણ મહિનાથી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. સ્વાસ્થ્ય બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીની તબીબી તપાસ બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.
વડીલોની ફરિયાદને આધારે સાંતાક્રુઝ પોલીસે શનિવારે 39 વર્ષના પ્યૂનને શાળામાંથી તાબામાં લીધો હતો. લોઅર પરેલમાં રહેતો આરોપી છેલ્લાં કેટલાંક વર્ષથી સાંતાક્રુઝની શાળામાં પ્યૂન તરીકે કામ કરતો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ડિસેમ્બર, 2023થી માર્ચ, 2024 દરમિયાન બની હતી. આરોપી સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર દાદરના નીચેના ભાગમાં આવેલા સ્ટોર રૂમમાં લઈ જઈ બાળકી પર જાતીય હુમલો કરતો હતો. મારપીટ કરીને બાળકીને ડરાવી ધમકાવી આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આરોપીએ બાળકી અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હોવાથી બાળકીએ ઘટનાની જાણ કોઈને કરી નહોતી. ડરી ગયેલી બાળકી સાથે આરોપીએ વારંવાર કુકર્મ કર્યું હોવાનું કહેવાય છે. જોકે તાજેતરમાં બાળકીનું સ્વાસ્થ્ય લથડતાં વડીલો તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબી તપાસમાં દુષ્કર્મની વાત સામે આવી હતી. ડૉક્ટર અને વડીલોએ વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં બાળકીએ તેની સાથે બનેલી બીના વર્ણવી હતી. શાળામાં અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ પ્યૂને આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.