કાર સાથે અપહરણ કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો...
આમચી મુંબઈ

કાર સાથે અપહરણ કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો…

પાલઘર: પાલઘર જિલ્લાના તલાસરી નજીક કાર સાથે જ ફરિયાદીનું કથિત અપહરણ કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ફરાર આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો હતો.તસાલરી પોલીસે મળેલી માહિતીને આધારે શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સમીર મહાદેવ જાધવ તરીકે થઈ હતી. પુણેના આંબેગાંવથી પકડાયેલો જાધવ હત્યા, હત્યાનો પ્રયાસ, સશસ્ત્ર લૂંટ અને આર્મ્સ ઍક્ટ હેઠળના 10 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

અપહરણ અને લૂંટની ઘટના 20 એપ્રિલના રોજ ઉપલેટ-કાલબટપાડા નજીક બની હતી. વાડાથી કારમાં નીકળેલા 38 વર્ષના ફરિયાદીનો ત્રણ આરોપીએ બાઈક પર પીછો કર્યો હતો. તલાસરી નજીક આરોપીઓએ ફરિયાદીની કારને આંતરી હતી. બાદમાં બળજબરીથી બે શખસ કારમાં બેસી ગયા હતા અને ફરિયાદીનું અપહરણ કર્યું હતું, એમ તલાસરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અજય ગોરાડે જણાવ્યું હતું.

કારમાં આરોપીઓએ ફરિયાદીની સોનાની ચેન અને વીંટી કાઢી લીધી હતી. બાદમાં રોકડ રકમ લૂંટી ફરિયાદીને ભિવંડી નજીક કલ્યાણ બાયપાસ પાસે કારમાંથી ફેંકીને આરોપી કાર સાથે ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ફરિયાદને આધારે 22 એપ્રિલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) અને 140(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે પાંચમી મેના પુણેના જ આંબેગાંવ ખાતેથી આરોપી વિશાલ દત્તાત્રય તાંદળે (29)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી લૂંટેલી મતા અને કાર હસ્તગત કરવામાં આવી હતી. તાંદળેએ આપેલી માહિતી પરથી જાધવનું નામ સામે આવ્યું હતું. આરોપીઓનો એક સાથી હજુ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)

આ પણ વાંચો…ભિવંડીના ગોદામમાંથી નકલી માખણ જપ્ત: ત્રણ જણની ધરપકડ

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button