પ્રોવોગ ઇન્ડિયા સાથે 90 કરોડની છેતરપિંડી: ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો

મુંબઈ: ખાનગી કંપની પ્રોવોગ ઇન્ડિયા સાથે 90 કરોડ રૂપિયાની ઠગાઇ આચરવાના આરોપસર મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને કર્મચારી સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
મુંબઈ સ્થિત પ્રોવોગ ઇન્ડિયા લિમિટેડ પુરુષો અને મહિલાઓનાં વસ્ત્રો, એસેસરીઝ અને લગેજ સહિત પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
આપણ વાચો: લંડનમાં નોકરી અપાવવાને બહાને દંપતી સાથે 27 લાખ રૂપિયાની ઠગાઇ: મહિલાની ધરપકડ
આરોપીઓમાં કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રાકેશ રાવત, ભૂતપૂર્વ કર્મચારી સમીર ખંડેલવાલ સહિત રિઝોલ્યુશન પ્રોફેશનલ અમિત ગુપ્તા, નવો પર્ચેસર અર્પિત ખંડેલવાલ, પ્લૂટસ ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ હોલ્ડિંગ લિમિટેડ તથા અન્યોનો સમાવેશ છે.
આરોપીઓએ સાઠગાંઠ કરીને કંપનીની અસ્કયામતોનું મૂલ્ય ઓછું આંક્યું હતું અને આ કંપનીને ખંડેલવાલ ખરીદી શકે એ માટે તેનું બજાર મૂલ્ય નીચે લાવવા બે વર્ષ સુધી લિલામી પ્રક્રિયાને ઇરાદાપૂર્વક વિલંબમાં મૂકી હતી.
આપણ વાચો: નકલી સોનું વેચીને ગ્રાહકો સાથે 2.5 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી: ઝવેરીની ધરપકડ
આરોપીઓએ અંગત લાભ માટે ગ્રાહકો (ડેબ્ટર્સ) પાસેથી મળવાપાત્ર રકમ વસૂલ કરી નહોતી. આ પ્રકરણે પ્રોવોગ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર નિખિલ ચતુર્વેદી (55)એ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનો 2018થી 2023 દરમિયાન આચરવામાં આવ્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ફોજદારી કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)



