એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ: તો ઘરોની કિંમત ૧૦ ટકા વધી જશે
મુંબઈ: મુંબઈ, થાણે, પુણે, દિલ્હી તથા દેશના અન્ય શહેરોમાં ઘરોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. હવે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) પર ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લગાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે. જો નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે તો દેશભરમાં ઘરોની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થવાની શક્યતા ધ કોન્ફડરેશન ઓપ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઇ) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.”
ઘરોની કિંમતમાં વધારો થયો તો માગણી ઓછી થશે અને તેની અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડશે એવી શક્યતા પણ વ્યક્ત કરાઇ રહી છે. તેથી આ પ્રસ્તાવનો વિરોધ કરીને તેના પર ફેરવિચારણા કરવા માટે ક્રેડાઇએ પત્ર લખીને કેન્દ્રીય નાણાં પ્રધાનને કહ્યું છે.
બાંધકામ માટે લાગતી સામગ્રીઓ, કાચો માસ વગેરેના દરમાં પહેલાથી વધારો થયો છે. તેને કારણે ઘરોની કિંમતમાં વધારો થવાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવાનું મુશ્કેલ થઇ ગયું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફતી એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
મૂળ એફએસઆઇ પર સ્થાનિક ઓથોરિટી દ્વારા પહેલાથી વધુ મહેસુલ વસૂલતા હોય છે એવામાં ૧૮ ટકા જીએસટી લાગુ થવાથી ઘરોની કિંમત આસમાન પહોંચવાની ભીતી પણ ક્રેડાઇ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી મળી ગઇ તો ઘરોની કિંમત સાતથી ૧૦ ટકા વધી જશે.