મુંબઈમાં પ્રોપર્ટીના વેચાણમાં નોંધાયો વિક્રમઃ સરકારની કમાણી રૂ. 1,035 કરોડ વધી
મુંબઈ: મુંબઈમાં 2022ની સરખામણીમાં 2023મા 4,872 વધુ ઘરો વેચાયા છે. મકાનોના વેચાણમાં વધારો થતાં સરકારની ચાંદી થઇ છે. મકાનોના વેચાણમાં થયેલા વધારાને કારણે મિલકત નોંધણી વિભાગને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રૂ. 1,035 કરોડની વધુ આવક થઈ છે. મુંબઈ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ અનુસાર 2023માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટીના રૂપમાં કુલ 9,929 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે 2022માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી 8,894 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
નરેડકો-મહારાષ્ટ્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષના જણાવ્યા અનુસાર 2022માં મુંબઈમાં કુલ 1,22,034 મિલકતોની નોંધણી કરવામાં આવી છે. 2023માં 1,26,906 મિલકતો નોંધાઈ છે. 2022ની સરખામણીમાં 2023માં વધુ મકાનોના વેચાણના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે બજારમાં તેજીનો ટ્રેન્ડ 2024માં પણ ચાલુ રહેવાનો છે. આવતા વર્ષે મેટ્રો-3 અને એમટીએચએલ પ્રોજેક્ટ શરૂ થવાથી રિયલ એસ્ટેટને ફાયદો થશે.
વર્ષનો છેલ્લો મહિનો પણ સરકાર માટે કમાણીનો મહિનો સાબિત થયો છે. માર્ચ 2023માં સૌથી વધુ 13,151 મકાનો વેચાયા હતા, જેનાથી સરકારને 1,225 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. માર્ચ પછી ડિસેમ્બરમાં સૌથી વધુ 12,255 મિલકત નોંધણી થઈ હતી. 12,255 પ્રોપર્ટી રજીસ્ટ્રેશનથી રૂ. 931 કરોડની કમાણી થઈ છે.
2024માં માગ વધુ વધશે
નરેડકોના રાષ્ટ્રીય અધ્યક્ષના જણાવ્યા અનુસાર સરકારની સ્થાયી યોજનાને કારણે સંસ્થાકીય રોકાણકારો સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. 2024માં મકાનોની માગ વધવાથી કિંમતોમાં પણ 10થી 12 ટકાનો વધારો થઈ શકે છે. વિહંગ ગ્રુપના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર 2023માં રેકોર્ડ વેચાણનું કારણ તેમના ઘરોને અપગ્રેડ કરતા ગ્રાહકોની વધતી સંખ્યા છે. મુસાફરીનો સમય ઘટાડવા માટે ગ્રાહકો હવે ઓફિસો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આવતા વર્ષે નવા પ્રોજેક્ટની શરૂઆત સાથે માગ વધવાની ખાતરી છે.
મહિનો 2022 2023
જાન્યુઆરી 478 692
ફેબ્રુઆરી 614 1,110
માર્ચ 1,160 1,225
એપ્રિલ 737 899
મે 726 832
જૂન 733 858
જુલાઈ 828 830
ઓગસ્ટ 643 810
સપ્ટેમ્બર 743 1,126
ઓક્ટોબર 723 835
નવેમ્બર 683 712
ડિસેમ્બર 835 931
કુલ 8,894 9,929