ત્રણ હજાર આંગણવાડી સહાયકની બઢતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર વિવિધ યોજનાના આધારે મહિલા સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના ભાગરૂપે રાજ્યની 3,000 આંગણવાડી સહાયકને આંગણવાડી સેવિકાના પદ પર બઢતી આપવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે,એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે આપી હતી. તેમણે રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની 8,14,000 માતાને રૂ. 321.57 કરોડનું ઓનલાઈન વિતરણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈતિહાસમાં પહેલી વખત પોષણ ટ્રેકર શરૂ કરીને માતાબાળકને યોગ્ય રીતે પોષણની સેવા મળે છે કે નહીં તેની તપાસ શરૂ કરી. છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે મહિલાના કલ્યાણ માટે નક્કર પગલાં લીધા છે. રાજ્યમાં બાળકીઓના સશક્તિકરણ માટે લેક લાડકી યોજના અમલમાં મૂકવામાં આવી છે. વડા પ્રધાનના 73મા જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં નમો 11 કલમી કાર્યક્રમ અમલમાં મૂકીને 73 લાખ મહિલાનું સશક્તિકરણ કરવા માટે સરકારી લાભ આપવામાં આવવાના છે, એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે રાજ્યની ત્રણ હજાર આંગણવાડી સહાયકની બઢતીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવશે. આંગણવાડી સેવિકાને મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ. 12,800 આપવામાં આવશે. આંગણવાડીની બહેનોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજનાનો હપ્તો કેન્દ્ર સરકાર ભરશે. આંગણવાડી સેવિકા અને સહાયકના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સહકાર કરશે. કામ કરનારી મહિલાઓ માટે એક હજાર પાલણાઘર શરૂ કરવા માટે કેન્દ્ર સરકારનો આદેશ ટૂંક સમયમાં આપવામાં આવશે. આફતનો સામનો કરી રહેલી મહિલા માટે રાજ્યમાં 40થી વધુ વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી 38,000 મહિલાને મદદ કરવામાં આવી છે.