ગ્રીન ફ્યૂલને પ્રોત્સાહન: બેકરીવાળા માટે વર્કશોપનું આયોજન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગ્રીન ફ્યૂલને પ્રોત્સાહન: બેકરીવાળા માટે વર્કશોપનું આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટના નિર્દેશ મુજબ મુંબઈની તમામ બેકરીઓને પર્યાવરણને નુકસાન કરનારા લાકડા તથા કોલસા જેવા ઈંધણને બદલે ગ્રીન ફ્યુલ (પર્યાવરણને નુકસાન ના કરે તેવું ઈંધણ)નો ઉપયોગ કરવાનો છે. બેકરીવાળાઓને પર્યાવરણને અનુરૂપ સ્વચ્છ ઈંધણ બાબતે માર્ગદર્શન આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આજે ભાયખલામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશનું પાલન કરતા પાલિકા મુંબઈની તમામ બેકરીઓને સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. એ સાથે જ તેમને પર્યાયી ઈંધણ બાબતે મદદ પણ કરી રહી છે. પાલિકાના ડેટા મુજબ મુંબઈમાં હાલ ૨૦૯ બેકરીઓ કોલસા તથા લાકડાને બદલે સ્વચ્છ ઈંધણ તરફ આગળ વધવાની પ્રક્રિયામાં છે, જ્યારે ૨૯૦ બેકરીઓએ હજી સુધી તેમની ભઠ્ઠીનું રૂપાંતર ગ્રીન ફ્યૂલમાં શરૂ કર્યું નથી.

પાલિકા દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ૧૬૦ બેકરીઓને ઓળખી કાઢવામાં આવી હતી, જે તાત્કાલિક સ્વરૂપે લાકડાને બદલે ગ્રીન ફ્યૂલમાં સ્વિચ કરી શકે છે. આમાંથી લગભગ ૩૬ બેકરીઓએ રૂપાંતર માટે અરજી પણ કરી દીધી છે. બાકીની ૧૩૦ બેકરીઓ ઈલેક્ટ્રિક ઓવન અથવા એલપીજીમાં રૂપાંતર માટે પાત્ર છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ બેકરીવાળા માટે ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બરના ભાયખલાના પ્રાણીબાગમાં આવેલા પૅંગ્વિનકક્ષમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સંબંધિત બેકરીના માલિકોને જરૂરી દસ્તાવેજો સાથે વર્કશોપમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. વર્કશોપમાં મહાનગર ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે, બેકરીઓના માલિકો ત્યાં તાત્કાલિક એલપીજી માટે અરજી કરી શકશે.

ઓક્ટોબર, ૨૦૨૪માં પાલિકાએ કોલસા અથવા લાકડાથી ચાલનારી બેકરીઓને નોટિસ ફટાકરીને તેમને ગ્રીન ફ્યૂલ તરફ વળવાની સૂચના આપી હતી. તે માટે બેકરી માલિકોને માર્ચ ૨૦૨૫ સુધીની મુદત આપવામાં આવી હતી. જોકે ફ્કત ૩૨ બેકરીઓએ પાલિકાની સૂચનાને અમલમાં મૂકી હતી. નવ જાન્યુઆરીના રોજ હાઈ કોર્ટે તમામ બેકરીઓને ગ્રીન ફ્યૂલમાં રૂપાંતર કરવા માટે આઠ જુલાઈની અંતિમ સમયમર્યાદા નક્કી કરી આપી હતી. ૧૯ ફેબ્રુઆરીના રોજ પાલિકાએ સુધારેલી નોટિસ બાદ વધુ ૧૪ બેકરીઓએ ગ્રીન ફ્યૂલમાં સ્વિચ કર્યું હતું.આ દરમ્યાન પીએનજી, એલપીજી અથવા ઈલેક્ટ્રિક ઓવનને અપનાવવા માટે જરૂરી સમય માળે તે માટે બેકર્સ અસોસિયેશનને હાઈ કોર્ટ પાસે સમયમર્યાદા વધારવાની માગણી કરી હતી પણ કોર્ટેને ૨૧ ઑગસ્ટે તેને ફગાવી દીધી હતી.

આપણ વાંચો:  વરલી નાકા, મહાલક્ષ્મી અને લોઅર પરેલના ટ્રાફિકને ઘટાડવા નવો પુલ: ડિસેમ્બર ૨૬માં ખુલ્લો મુકાશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button