બોલો, કોસ્ટલ રોડને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ઊભી થઈ ટ્રાફિક જામની સમસ્યા…

મુંબઈ: આંશિક રીતે ખુલ્લા મૂકાયેલા કોસ્ટલ રોડને કારણે દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક ઓછી થઇ હોવાનું ભલે જણાતું હોય, પરંતુ પ્રવાસીઓનું કહેવું છે કે પહેલા કરતા હવે વધુ ટ્રાફિક સહન કરવો પડી રહ્યો છે.
બિંદુ માધવ ઠાકરે ચોક (બીએમટીસી) ખાતે વરલીના એન્ટ્રી/એક્ઝિટથી ટ્રાફિકજામ હવે વરલી સી-ફેસથી બાન્દ્રા-વરલી સી-લિંક (બીડબ્લ્યુએસએલ) સુધીના સંપૂર્ણ રોડ પર જોવા મળે છે.
કોસ્ટલ રોડ ખુલ્લો મૂકાયો ત્યારે બીએમટીસી ખાતે ટ્રાફિક મળતો હતો ત્યારે સી-લિંકના દક્ષિણ તરફથી કોસ્ટલ રોડ પર આવવા બે વખત યુ-ટર્ન લેવો પડતો હતો, એમ તારદેવમાં નોકરી કરતા એક પ્રવાસીએ જણાવ્યું હતું.
હાલમાં એવું જણાઇ રહ્યું છે કે ટ્રાફિક હવે સી-લિંક સુધી પહોંચી ગયો છે જેમાં ચારેય લાઇનમાં એક-બે કિમી સુધી વાહનોની લાઇન દેખાય છે. સવારના સમયે જે અંતર કાપવામાં પાંચ મિનિટનો સમય લાગતો હતો, હવે તે માટે વીસથી ૩૦ મિનિટનો સમય લાગે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન, એક પ્રવાસીએ કરી એવી ડિમાન્ડ કે…
સી-લિંકનો નિયમિત રીતે ઉપયોગ કરતા અને બાન્દ્રાથી ફોર્ટ સુધી આવવા માટે કોસ્ટલ રોડનો ઉપયોગ કરતા એક પ્રવાસીએ જણાવ્યું કે છેલ્લા અઠવાડિયાથી સી-લિંક પર ટ્રાફિક ઘણો મળી રહ્યો છે. સી-લિંક અડધો પાર કરે કે ટ્રાફિક મળવાની શરૂઆત થઇ જાય છે.
ચારેય લાઇનમાં ટ્રાફિક હોય છે. ત્યાંથી પસાર થવામાં મને ક્યારેક પચીસ મિનિટ લાગી જાય છે. અમે રૂ. ૧૫૦ ટોલ ભરીયે છીએ, છતાં સત્તાવાળાઓએ જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું નથી એવું જણાઇ રહ્યું છે. કોસ્ટલ રોડ શરૂ થયો ત્યારથી ટ્રાફિક મળી રહ્યો હોવાનો અનુભવ થઇ રહ્યો છે. સી-લિંક સુધી બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. હાલમાં તો ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની ગઇ છે.
ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકો કોસ્ટલ રોડનો વધુ ઉપયોગ કરી રહ્યા હોવાને કારણે ટ્રાફિકજામ થઇ રહ્યો છે. મરીન ડ્રાઇવથી વરલી જતા પહેલા ૪૫ મિનિટનો સમય લાગતો હતો જે અંતર હવે ૧૦-૧૨ મિનિટમાં કાપી શકાય છે.
કોસ્ટલ રોડનું ભાયંદર સુધી વિસ્તરણ
કોસ્ટલ રોડને થાણે જિલ્લાના ભાયંદર સુધી વધારવામાં આવશે જેથી શહેરના પશ્ર્ચિમ તટ વિસ્તારને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું. ગોયલે બુધવારે પાલિકાના સંબંધિક અધિકારીઓ સાથે કોસ્ટલ રોડના એક્સ્ટેન્શન અંગે તથા મુંબઈમાં થતા ટ્રાફિકજામને દૂર કરવા માટેના ઉપાય-યોજના વિશે ચર્ચા કરી હતી.