ખોપોલીમાં ખાનગી બસ ટ્રેઈલર સાથે ટકરાતાં એકનું મોત: 7 પ્રવાસી જખમી

મુંબઈ: રાયગડ જિલ્લામાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસ ટ્રેઈલર સાથે ટકરાતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બસમાંના સાત પ્રવાસી ઘવાયા હતા. અકસ્માતને કારણે કલાકો સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ રાયગડ જિલ્લાના ખોપોલી ખાતે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાની ઓળખ રાજુ ગાવડે (40) તરીકે થઈ હતી.
મુંબઈથી પુણે પૂરપાટ વેગે જઈ રહેલી બસના ડ્રાઈવર શિરીષ ઢેકાળે (43)એ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ સામેથી આવેલા ટ્રેઈલર સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં ઢેકાળેની બાજુમાં બેસેલા સેક્ધડ ડ્રાઈવર ગાવડેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું રાયગડ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં બસમાં હાજર સાત પ્રવાસી ઘવાયા હતા. સારવાર માટે તેમને બે અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. બન્ને વાહનને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર ધીમી ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)