‘ભગવા’ શબ્દ મુદ્દે ‘બબાલ’: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું વિવાદાસ્પદ નિવેદન…

મુંબઈ: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આતંકવાદ સાથે ભગવા શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
તેમણે ‘સનાતન’ અથવા ‘હિન્દુત્વવાદી’ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
પૃથ્વીરાજ ચવ્હાણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ‘સનાતન સંસ્થા’ની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આ સંસ્થા પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ગુપ્ત અહેવાલ મોકલ્યો હતો.
ચવ્હાણે ભારપૂર્વક જણાવ્યું કે ‘સનાતન’ શબ્દનો ઉપયોગ આ સંદર્ભમાં યોગ્ય છે, કારણ કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ આતંકવાદી હતી. તેમણે આગ્રહ કર્યો કે આવી સંસ્થા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ.
ચવ્હાણે ડૉ. નરેન્દ્ર દાભોલકર અને કોમ. ગોવિંદ પાનસરેની હત્યાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કેસોમાં ન્યાય હજુ સુધી મળ્યો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે માલેગાંવ બ્લાસ્ટ અને મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ચુકાદાઓના સમયને ‘ઓપરેશન સિંદૂર’ ચર્ચા સાથે જોડીને સવાલ ઉઠાવ્યો કે આ સંયોગ છે કે કોઈ ષડયંત્ર?
તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના માલેગાંવ કેસ દરમિયાનના નિવેદનોને કોર્ટના ચુકાદા પર અસર કરનાર ગણાવ્યા. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પણ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 વર્ષથી તપાસ એજન્સીએ ન્યાયસંગત કામગીરી નથી કરી.
ચવ્હાણે માલેગાંવ અને મુંબઈ વિસ્ફોટના કેસોમાં સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ તેવી માગ કરી. તેમણે નાથુરામ ગોડસેની વિચારધારાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડી અને ઉલ્લેખ કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલે એક સમયે RSS પર પ્રતિબંધ લગાવ્યો હતો.
ચવ્હાણે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરવા સામે છે, જેનો ઉપયોગ પી. ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે અને દિગ્વિજય સિંહે કર્યો હતો. તેમનું કહેવું છે કે કોઈ ધર્મ આતંકવાદી હોતો નથી, પરંતુ ચોક્કસ વિચારધારાઓ આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે.
ચવ્હાણના આ નિવેદનથી મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીયસ્તરે રાજકીય વિવાદ થવાની શક્યતા છે. તેમના આક્ષેપો કેન્દ્ર અને રાજ્ય સરકારની તપાસ એજન્સીની કામગીરી પર સવાલ ઉઠાવે છે. માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો અને દાભોલકર-પાનસરે હત્યા કેસમાં ન્યાયનો અભાવ રાજકીય વિવાદનું કેન્દ્ર બની શકે છે. ચવ્હાણની ટિપ્પણીઓએ ‘ભગવા આતંકવાદ’ શબ્દની ચર્ચાને ફરી ઉજાગર કરી છે, જે આગામી ચૂંટણીઓમાં રાજકીય પક્ષો માટે મહત્ત્વનો મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો…ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ