ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની છે.
મુંબઈની એક ખાસ અદાલતે આ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ બોલતાં તેમણે નોંધ્યું હતું કે તેમની સામે ‘કોઈ વિશ્ર્વસનીય અને મજબૂત પુરાવા’ નહોતા.
‘મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ)એ બ્લાસ્ટ કેસની તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી. 2011માં, એનઆઈએએ કેસ પોતાના હાથમાં લીધો અને 2014માં (રાજ્ય અને કેન્દ્રમાં) સરકાર બદલાઈ ગઈ.
જો આ આરોપીઓ ગુનેગાર ન હોત તો 2014થી 2025 સુધી સરકારે કેમ તપાસ ન કરી, પરંતુ કેસ ચાલુ રાખ્યો. જો તે બનાવટી કેસ હોત, તો તેને છોડીને ફરીથી તપાસ કરી શકાઈ હોત,’ એમ ચવ્હાણે જણાવ્યું હતું.
‘કોઈએ નિર્દોષ લોકોની હત્યા કરી છે,’ એમ ચવ્હાણે ભારપૂર્વક કહ્યું હતું અને ઉમેર્યું હતું કે વાસ્તવિક ગુનેગારોને શોધવાની જવાબદારી સરકારની છે. પુરાવા રજૂ કરવાની જવાબદારી (રાજ્ય અને કેન્દ્ર) સરકારની છે, કોંગ્રેસ કે પીડિતો/પરિવારજનોની નહીં, એમ ચવ્હાણે ઉમેર્યું હતું.
આ દરમિયાન મહારાષ્ટ્રના બંદર અને મત્સ્યોદ્યોગ ખાતાના પ્રધાન અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ કહ્યું હતું કે જેમણે ‘ભગવા આતંકવાદ’ની વાત કરી હતી તેમણે હાથ જોડીને હિન્દુ સમાજની માફી માગવી જોઈએ અને નિર્દોષ છૂટેલા લોકોના પગ પર નાક ઘસવા જોઈએ જેમના 17 વર્ષ આ લોકોને કારણે વેડફાઈ ગયા હતા.