કેદીના ભાઇ પાસે માગી લાંચ: જેલ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ પકડાયાં…

મુંબઈ: 2018થી નવી મુંબઈની તળોજા જેલમાં સબડી રહેલા કેદીને ત્રાસ ન આપવા માટે તેના ભાઇ પાસે લાંચ માગવા પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ જેલ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ગામદેવીમાં કોલેજિયનનો પીછો કરીને અશ્લીલ હરકત કરનારો પકડાયો
જેલ અધિકારી નિવૃત્તિ માનેજી અને કોન્સ્ટેબલ રાહુલ પરમેશ્ર્વર ગરડને કોર્ટમાં હાજર કરાતાં તેમને 17 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
કેદીએ 11 ડિસેમ્બરે તેના ભાઇને મોબાઇલ પર કૉલ કરીને જણાવ્યું હતું કે જેલ અધિકારી સતત પૈસા માગે છે અને પૈસા ન મળતાં તેને ત્રાસ આપે છે. 13 ડિસેમ્બરે તેને ફરીથી સેશન્સ કોર્ટમાં હાજર કરવાના છે, જે પૂર્વે 1000 રૂપિયા આપવાના છે.
બાદમાં કેદીના ભાઇને લાંચ બાબતે આરોપીએ વ્હૉટ્સઍપ મેસેજ કરવા સાથે કૉલ પણ કર્યો હતો. આખરે કેદીના ભાઇએ આરોપીને 1000 રૂપિયા ગૂગલ પૅ કર્યા હતા. જોકે ફરીથી તેની પાસે 10 હજાર રૂપિયાની માગણી કરા હતી. આથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ કરાતાં આરોપીએ કેદીના ભાઇ પાસે પૈસા માગ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપીને વૃદ્ધ પાસેથી રુ. 37 લાખ પડાવ્યા
દરમિયાન 14 ડિસેમ્બરે એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવતાં આરોપી ગરડે લાંચની રકમ સ્વીકારીને તેની જાણ માનેજીને કરી હતી. આથી ગરડને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો અને બાદમાં માનેજીને પણ તાબામાં લેવાયો હતો. બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.