…તો MVA અને મહાયુતિ વચ્ચે અંતર શું?: પ્રકાશ આંબેડકરે એમવીએ પર સાધ્યું નિશાન

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA) અને ખાસ કરીને કૉંગ્રેસ તરફથી પણ એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારતા પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (વીબીએ) અને ઓવૈસીની એઆઈએમઆઈએમ (AIMIM) મુસ્લિમ મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પ્રકાશ આંબેડકરે એમવીએની જોરદાર ટીકા કરી હતી અને પાર્ટીથી લઘુમતી ઉમેદવારોને બહાર રાખવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં અકોલાની લોકસભા ચૂંટણી લડનારા વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને એમવીએ વચ્ચે શું અંતર છે. બંને પક્ષો બહુવિધ હિન્દુઓને પક્ષમાં લેવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. એમવીએએ પણ મુસલમાનોને ઉમેદવાર નહીં બનાવ્યા. જો એમસીએ પણ ભાજપની જેમ જો મુસ્લિમ ઉમેદવારોને અલગ રાખો તો બંને વચ્ચે અંતર શું છે?, એવી ટીકા પ્રકાશ આંબેડકરે કરી હતી.
એમવીએ દ્વારા મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી 46 બેઠક પર તેમના ઉમેદવારોની જાહેરત કરી છે અને હવે માત્ર મુંબઈની બે સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરવાની બાકી છે. ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પર કૉંગ્રેસના નેતા નસીમ ખાન ચૂંટણી લડવા તૈયાર છે.
જોકે કૉંગ્રેસ આ સીટ પર કોઈ સેલિબ્રિટિઝને ઉમેદવાર બનાવવાની વેતરણમાં છે. ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધારે છે, જેથી આ સીટ પર મુસ્લિમ ઉમેદવાર ઉતારવામાં નહીં આવતા મતદાતાઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એઆઈએમઆઈએમના એક નેતાએ એમવીએ પર ટીકા કરતાં કહ્યું હતું કે એમવીએને મુસ્લિમ મતો જોઈએ છે, પણ મુસ્લિમ ઉમેદવાર નથી જોઈતા. જો તેઓ આવું કરે છે તો તેમને વોટ શા માટે મળશે?. મુંબઈમાં 40 લાખ જેટલા મુસ્લિમ મતદાર છે પણ એમવીએ કે મહાયુતિએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખ્યા નથી, એવી એઆઈએમઆઈએમના નેતાએ જણાવ્યું હતું.
કૉંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવારને નહીં ઉતારતા એઆઈએમઆઈએમ દ્વારા મુસ્લિમ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એઆઈએમઆઈએમ દ્વારા છત્રપતિ સંભાજી નગરની સીટ પર ઇમ્તિયાઝ જલીલને ઉમેદવાર બનાવ્યા છે, જેથી કૉંગ્રેસ પ્રત્યે મુસ્લિમ મતદાતાઓની નારાજગીથી વંચિત આઘાડી અને એઆઈએમઆઈએમને શું ફાયદો થશે એ બાબત ચૂંટણીના પરિણામમાં જાણવા મળશે.