માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છૂટ્યા? NIA કોર્ટના અવલોકન, જાણો 17 વર્ષમાં શું શું બન્યું?

મુંબઈ: વર્ષ 2008માં મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે 17 વર્ષે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના જજ એ કે લાહોટીની અધ્યક્ષતા હેઠળની સ્પેશિયલ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા (Malegao Bomb Blast Case) છે. કોર્ટે દરેક મૃતકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
29 સપ્ટેમ્બર, 2008 ના રોજ માલેગાંવના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એક મોટરસાયકલ પર ફિટ કરવામાં આવેલો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આરોપ હતો કે આ મોટરસાયકલ પ્રજ્ઞા ઠાકુરના માલિકીની હતી. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતાં અને 101 લોકો ઘાયલ થયા હતા, પરંતુ NIA કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે 95 લોકો જ ઘાયલ થયા હતાં. કોર્ટના જણાવ્યા મુજબ તબીબી પ્રમાણપત્રોમાં છેડછાડ કરવાંમાં આવી હતી.
ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો:
ચુકાદા સંભાળવતા કોર્ટે અવલોકન કર્યું કે બ્લાસ્ટમાં કથિત રીતે ઉપયોગમાં લેવામાં આવેલી મોટરસાઇકલનો ચેસીસ નંબર ભૂંસાઈ ગયો હતો, મોટરસાયકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરની માલિકીની હતી તે સાબિત કરવા માટે કોઈ મજબૂત કે વિશ્વસનીય પુરાવા નથી. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે વિસ્ફોટના બે વર્ષ પહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરની સંન્યાસી બની ગઈ હતી અને ભૌતિક સંપત્તિથી દુર રહી હતી.
કોર્ટે નોંધાયું કે હતું કે ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે ઘટનાસ્થળેથી મળેલી મોટરસાઇકલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ઘટના પછી વિસ્ફોટથી અસરગ્રસ્ત સ્થળને યોગ્ય રીતે બેરિકેડ કરવામાં આવ્યું ન હતું, માટે ગુનાના સ્થળ સાથે છેડછાડ કરવામાં આવી હતી.
કોર્ટને એમ પણ કહ્યું કે લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતના ઘરે વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતાં એ સાબિત થઈ શક્યું નથી.
પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ:
આ કેસની તપાસ સ્થાનિક પોલીસથી મહારાષ્ટ્ર એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ(ATS)ને સોંપવામાં આવી હતી. જેના પર IED ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ થયો હતો, એ LML ફ્રીડમ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. ATSએ તપાસ દરમિયાન ખુલાસો કર્યો કે બાઇક પ્રજ્ઞા સિંહ ઠાકુરની માલિકીનું હતું. મળેલા પુરાવાને આધારે 23 ઓક્ટોબર, 2008 ના રોજ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ અહેવાલ મુજબ આરોપીઓએ મળીને કથિત રીતે અભિનવ ભારત નામનું જૂથ બનાવ્યું હતું. તેમના પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ, 1999 (MCOCA) હેઠળ કેસ ચલવવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2009 માં મહારાષ્ટ્ર ATS એ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં તેણે 11 આરોપીઓ હતાં.
તાપસ NIAને સોંપવામાં આવી:
વર્ષ 2011 માં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી. આ દરમિયાન આરોપીઓએ તેમની સામે MCOCA હેઠળના આરોપો રદ કરવા કોર્ટનો સંપર્ક કર્યો. વર્ષ 2016 માં NIA એ કેસમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી અને આરોપીઓ પર લગાવવામાં આવેલા MCOCA હેઠળના આરોપો રદ કર્યા.
તપાસ દરમિયાન NIAએ એમ પણ જણાવ્યું કે ગુનામાં સામેલ મોટરસાયકલ પ્રજ્ઞા ઠાકુરની માલિકીની હતું પણ બ્લાસ્ટને લગભગ દોઢ વર્ષથી તેનો ઉપયોગ ફરાર આરોપી રામચંદ્ર કાલસાંગરા કરતો હતો.
આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર
NIA કોર્ટમાં સાત વર્ષ સુનાવણી ચાલી:
મુંબઈમાં NIAની એક સ્પેશિયલ કોર્ટમાં સાત આરોપીઓ પર કેસ ચલવવામાં આવ્યો. સુનાવણી વર્ષ 2018માં શરૂ થઇ અને 19 એપ્રિલ, 2025 ના રોજ પૂર્ણ થઈ, ત્યાર બાદ આ કેસ ચુકાદા માટે અનામત રાખવામાં આવ્યો. હવે આ કેસનો ચુકાદો જહેર કરતા NIA કોર્ટે તમામ 7 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.