આમચી મુંબઈ

બાળકોને બાનમાં લેનારા રોહિતના મૃત્યુની મૅજિસ્ટ્રેટ દ્વારા તપાસ

મુંબઈ: પવઈના સ્ટુડિયોમાં વેબસિરીઝને બહાને 17 બાળક સહિત 19 જણને બંધક બનાવનારા રોહિત આર્યના પોલીસ ઑપરેશનમાં થયેલા મૃત્યુની મૅજિસ્ટ્રેટ દ્વારા સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે હવે આ ઘટનાની મૅજિસ્ટ્રેટ પણ તપાસ કરશે. સંબંધિત મૅજિસ્ટ્રેટ સાક્ષીઓને બોલાવશે અને તેમનાં નિવેદન પણ નોંધશે. બાદમાં અહેવાલ રજૂ કરશે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: એન્કાઉન્ટર નહીં, ઍક્શનનું રિઍક્શન હતું:આર્યને ગોળી મારનારા અધિકારીની સ્પષ્ટતા…

પવઈના સાકી-વિહાર રોડ પરની મહાવીર ક્લાસિક બિલ્ડિંગમાં આવેલા રા સ્ટુડિયોમાં ગુરુવારે લગભગ ત્રણ કલાક સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા થયો હતો. વેબસિરીઝના ઑડિશનને બહાને બાળકોને બોલાવવામાં આવ્યા હતા. પછી તેમને બંધક બનાવી રોહિત આર્ય (50)એ પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકોને બચાવવાના ઑપરેશન દરમિયાન પોલીસની ગોળીએ રોહિત ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયેલા રોહિતને તબીબે મૃત જાહેર કર્યો હતો.

જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) સત્યનારાયણ ચૌધરીએ સોમવારે રોહિતના મૃત્યુ પ્રકરણે સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર મૅજિસ્ટ્રેટ તપાસ કરી રહ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

આપણ વાચો: પવઈ બંધક ડ્રામા…

જૉઈન્ટ કમિશનરે જણાવ્યું હતું કે ઘટના સમયે બાળકોની સુરક્ષા અને સલામતી પોલીસની પ્રાથમિકતા હતી. રોહિતને બે કલાક સુધી સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી પોલીસે સ્ટુડિયોમાં ઘૂસવાનો નિર્ણય લીધો હતો.

પોલીસ સમજાવતી હતી ત્યારે તે બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપતો હતો. પોલીસ સ્ટુડિયોમાં ઘૂસી ત્યારે રોહિતે ઍરગનથી ફાયર કર્યું હતું, જેને પગલે પોલીસે ગોળી ચલાવવી પડી, એવો દાવો ચૌધરીએ કર્યો હતો.

સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના ભાગ રૂપે રોહિતના મૃત્યુ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હોવાની સ્પષ્ટતા અધિકારીએ કરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button