વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતમાં ગરીબી 12.7 ટકા ઘટી
મહારાષ્ટ્રમાંથી ગરીબીનો ડામ દૂર કરવા એકનાથ શિંદે સરકાર મક્કમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથથી છેડો ફાડીને ભાજપ સાથે હાથ મળાવવા પાછળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું એક મોટું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના વિકાસ માટેના પ્રયત્નો અને દેશ સેવા માટેના તેમના સમર્પણનો ભાવ તેમ જ તેમણે દેશ માટે કરેલા કાર્યો હોવાનું એકનાથ શિંદેએ જણાવ્યું હતું. એવામાં હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દેશમાં કોંગ્રેસનો શાસનકાળ પત્યા બાદ ગરીબી 12.7 ટકા ઓછી થઇ હોવાનું જણાયું છે.
હાલમાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રને આર્થિક રીતે મજબૂત કરીને સમાજના છેલ્લા નાગરિકને લાભ મળે એ રીતની સરકાર ચલાવવાનું અને એ રીતની યોજનાઓ બહાર પાડવાનું પોતાનું લક્ષ્ચ હોવાનું જણાવ્યું હતું. શિંદેએ આખા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે હોવાનું પણ જણાવ્યું હતું.
એવામાં દેશમાં ગરીબી કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વર્ષ 2011-12માં 21.3 ટકા હતી તે ઘટીને 2022-23 8.5 ટકા થઇ હોવાને પગલે શિંદેનું મહારાષ્ટ્રમાંથી ગરીબી દૂર કરવાનું લક્ષ્ય પણ ધીરે ધીરે હાંસલ થઇ રહ્યું હોવાનું જણાય છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્રના બજેટમાં પણ આર્થિક રીતે નબળા ઘરની મહિલાઓને સદ્ધર કરવા માટે અને તેમને આર્થિક સહાય આપવા માટે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના બહાર પાડી હતી, જે અંતર્ગત 21થી 65 વર્ષની મહિલાઓને મહિને દોઢ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો: Welcome back champions: ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી, થોડીવારમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત
આ યોજના જુલાઇ મહિનાથી જ અમલમાં આવી ગઇ છે. આ પ્રકારની યોજનાઓથી મહારાષ્ટ્રની મહિલાઓ, યુવાનો અને આર્થિક રીતે નબળા વર્ગનું જીવનઘોરણ ઊંચું લાવવાની અને તેમને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાની મુખ્ય પ્રધાન શિંદેની યોજના છે.
બહાર પાડેલા આંકડાઓમાં શહેરી તેમ જ ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી ઓછી થઇ હોવાનું જણાયું હતું. સર્વેક્ષણમાં જણાયું હતું કે શહેરી અને ગ્રામીણ ભાગના લોકોની આવકમાં વધારો થયો છે અને તેના કારણે તેમની ખરીદ શક્તિ પણ વધી છે. આ સિવાય ભારતના ઘરોમાં થતા માસિક ખર્ચમાં પણ 2012-13ની સરખામણીએ 2022-23માં બમણો વધારો થયો છે. જે લોકોની આવકમાં વધારો અને ખરીદ-ખર્ચ શક્તિમાં વધારો બંને દર્શાવે છે.
ગરીબીની રેખા નક્કી કરવા માટે તેંડુલકર સમિતી દ્વારા ગ્રામીણ ક્ષેત્રની આવક 447 અને શહેરી ક્ષેત્રની આવક 579 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે 2011-12મા વધારીને અનુક્રમે 860 અને 1,000 રૂપિયે મહિના નક્કી કરવામાં આવી હતી.
તેવામાં પણ કોરોનાકાળ જેવો કપરો સમય દેશે વેઠ્યો અને તેમાં અનેક લોકોના રોજગાર છીનવાઇ ગયા છતાં કોરોનાકાળ પૂરો થયા બાદ દેશ વધુ મજબૂત આર્થિક સત્તા તરીકે ઊભો થયો હોવાથી વધુને વધુ ભારતીયો ગરીબી રેખાની બહાર આવી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સહિત આખા દેશના સામાન્ય નાગરિકોનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ રહેશે તેવા પ્રયત્ન કરવામાં આવશે, તેવો નિર્ધાર એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો.