ચૂંટણીના પરિણામો પહેલા જ અજિત પવારને મુખ્ય પ્રધાન દર્શાવતા પોસ્ટરો લાગ્યા
પુણે : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણી માટે મતદાન પતી ગયું અને હવે પરિણામોની રાહ જોવાઇ રહી છે. આવતી કાલે પરિણામો જાહેર થશે, પણ એ પહેલા જ NCP નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને “ભવિષ્યના મુખ્ય પ્રધાન” તરીકે વર્ણવતા પોસ્ટરો પૂણેના બારામતીમાં લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરો લગાવવા એ NCP (અજિત પવાર જૂથ)ની આકાંક્ષાઓને દર્શાવે છે કે તેમનો પક્ષ પણ ટોચના પદ માટે દાવેદાર છે.
શાસક મહાયુતિ ગઠબંધનમાં ભાજપ , શિવસેના અને NCPનો સમાવેશ થાય છે જ્યારે વિપક્ષ MVAમાં કોંગ્રેસ , શિવસેના (UBT) અને NCP (SP)નો સમાવેશ થાય છે. બંને પક્ષોએ ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન પદના ચહેરાની જાહેરાત નહોતી કરી. મહાયુતિ અને મહા વિકાસ આઘાડી બંનેમાં કેટલાય પક્ષોએ પોતાના પક્ષના ઉમેદવારને મુખ્ય પ્રધાન પદ મળવાની આશા વ્યક્ત કરી છે.
મોટાભાગના એક્ઝિટ પોલ્સે એવી આગાહી કરી છે કે ચૂંટણી પરિણામોમાં મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખશે. જોકે, કેટલાક એક્ઝિટ પોલ્સમાં મહા વિકાસ આઘાડીની સરકાર બનવાની આગાહી પણ કરવામાં આવી છે.
મતદાન પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે તેમની પાર્ટીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં MVA સરકાર બનાવવામાં આવશે. શિવસેના (UBT)ના રાઉતે તેમની વાતનો છેદ ઉડાવતા કહ્યું હતું કે તમામ ગઠબંધન ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે મુખ્ય પ્રધાનપદનો ચહેરો નક્કી કરવામાં આવશે.
મહાયુતિના શિંદે સેનાના વિધાન સભ્ય અને પક્ષના પ્રવક્તા સંજય શિરસાટે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની તરફેણ કરી હતી તો ભાજપ નેતા પ્રવિણ દરેકરે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદ આપવાની વાત કરી હતી. એ જ સમયે એનસીપીના નેતા અમોલ મિતકારીએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર માટે બેટિંગ કરી હતી.
એ તો જાહેર વાત છે કે અજિત પવાર મહારાષ્ટ્રના સીએમ બનવા માટે વર્ષોથી થનગની રહ્યા છે. અજિત પવાર અનેક વખત જાહેર ભાષણમાં મુખ્ય પ્રધાન પદની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. ચાર વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હોવા છતાં અજિત પવારને મુખ્યમંત્રી બનવાની તક મળી નથી. તેઓ જ્યારે અવિભાજિત એનસીપીમાં શરદ પવારની સાથે હતા ત્યારે તેમની મહત્વાકાંક્ષા સિદ્ધ થઇ શકે તેવી શક્યતા જ નહોતી, જેને કારણે કંટાળીને તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે, તેમણે નાયબ મુખ્ય પ્રધાન પદથી જ સંતોષ માનવો પડ્યો હતો. પણ વિધાન સભાની ચૂંટણી બાદ તેમની ઇચ્છાઓએ ફરી પાછું જોર કર્યું છે. આપણે થોડો સમય રાહ જોઇએ, કોણ મુખ્ય પ્રધાન બનશે એ સ્પષ્ટ થઇ જશે.