સાતારામાં સોશિયલ મીડિયા પરની પોસ્ટને કારણે તંગદિલી: એકનું મોત
100થી વધુ સામે ગુનો નોંધાયો ક જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ ક સાતથી વધુ જખમી
પુણે: સાતારાના ગામમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટને કારણે બે સમુદાય વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગદિલીભર્યું થઈ ગયું હતું. પથ્થરમારો અને આગ ચાંપવાના બનાવ વચ્ચે એકનું મોત નીપજ્યું હતું, જ્યારે સાતથી વધુ લોકો ઘવાયા હતા. પોલીસે 100થી વધુ જણ સામે ગુનો નોંધી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે ખટાઉ તહેસીલના પુસેસાવલી ગામમાં બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સતર્કતા ખાતરે પોલીસે જિલ્લાની ઈન્ટરનેટ સેવા ખંડિત કરી નાખી હતી.
સોશિયલ મીડિયા પર અમુક યુવાનો દ્વારા વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ પરથી બે સમુદાય વચ્ચે તણાવ પેદા થયો હતો. બન્ને સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવતાં કોમી અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક જણ ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હળવો બળપ્રયોગ કરી લોકોને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા. સંબંધિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવ્યા પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. સાવચેતીના પગલા રૂપે જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને લોકોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. શંકાને આધારે કેટલાક લોકોને તાબામાં લેવાયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઉ