બીએમડબ્લ્યુ સાથેની રેસ વખતે પૉર્શેકાર ડિવાઈડર સાથે ટકરાઈ: બે જખમી

મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી બીએમડબ્લ્યુ કાર સાથે રેસ કરતી વખતે પૉર્શે કાર રસ્તાના ડિવાઈડર સાથે ટકરાતાં બે જણ ઘવાયા હોવાની ઘટના જોગેશ્વરી નજીક બની હતી.
જોગેશ્ર્વરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારની મધરાત બાદ બે વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં પૉર્શે કાર ચલાવતા નુવો સોન્સે (22) અને તેના મિત્રને નજીવી ઇજા થઈ હતી.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી બીએમડબ્લ્યુ કાર અને પૉર્શે કાર પસાર થઈ રહી હતી. બન્ને કાર વચ્ચે જાણે રેસિંગ થઈ હતી. જોગેશ્વરી નજીક મોગરા મેટ્રો સ્ટેશન નીચે પહોંચ્યા પછી પૉર્શે કારના ડ્રાઈવર સોન્સેએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી.
ઘટના સમયે કારમાં મીરા રોડમાં રહેતા સોન્સે સાથે લોખંડવાલા પરિસરમાં રહેતો તેનો મિત્ર હતો. બન્ને જણ બાન્દ્રામાં તેમના મિત્રોને મળવા જઈ રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતને કારણે ઍરબૅગ્સ ખૂલી ગઈ હતી, જેને કારણે સોન્સેના પગમાં ઇજા થઈ હતી. તેના મિત્રને પણ નજીવી ઇજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અન્ય વાહનચાલકોની મદદથી સોન્સેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
જોકે હાઈ સ્પીડ રેસને કારણે કે અન્ય કોઈ કારણે કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતીને આધારે પોલીસે પૉર્શે કારના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)
આપણ વાંચો : અર્નાળામાં પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા, બહેન પર કોયતાથી હુમલો કરનારા યુવકની ધરપકડ