ગિરગામ ચોપાટી પર પીઓપી મૂર્તિઓનું ધરાર વિસર્જન: પાલિકા-પોલીસ સાવ ચૂપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષની માઘી ગણેશોત્સવની ઉજવણી અને ગણપતિબાપ્પાની પીઓપીની મૂર્તિનું વિસર્જન વિવાદાસ્પદ રહ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં ગિરગામ ચોપાટીમાં દક્ષિણ મુંબઈના કુંભારવાડાના ગણેશમંડળની પીઓપીની મૂર્તિનું વિસર્જન મોડી રાતે ચુપચાપ રીતે પતાવી દેવામાં આવ્યું હોવાના અહેવાલ છે અને પોલીસે પણ આંખ આડા કાન કર્યા હોવાનું કહેવાય છે. આ બાબતે જોકે પાલિકાએ આ બાબતે ચૂપકીદી સેવી છે.
માઘી ગણેશોત્સવોમાં પશ્ર્ચિમ ઉપનગરના કાંદિવલી અને બોરીવલીના અનેક મંડળોની પીઓપીની મૂર્તિ હોવાથી તેમના સાતમા અને અગિયારમા દિવસે પોલીસ તથા પાલિકાએ માર્વે સહિતના કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવાની મંજૂરી આપી નહોતી. આમ છતાં દક્ષિણ મુંબઈના કુંભારવાડા પરિસરમાં આવેલા અમુક મંડળોએ મોડી રાતે તેમના મંડળની પીઓપીની મૂર્તિના વિસર્જન ગિરગામ ચોપાટી પર કરી નાખ્યા હતા. પોલીસ સહિત પાલિકાના અધિકારીઓએ તેમના રોકવાના પ્રયાસ પણ કર્યા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ પાલિકાના ‘સી’ વોર્ડના ઉચ્ચ અધિકારી સહિત પોલીસે કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
Also read: ગિરગામમાં ૧૪ માળની બિલ્ડિંગમાં આગ
પાલિકાએ કૃત્રિમ વિસર્જન સ્થળો ઊભા કરીને ત્યાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાની ગણેશમંડળોને સૂચના આપી હતી. મોટાભાગનાં મંડળોએ પોતાની મૂર્તિઓના વિસર્જન આ કૃત્રિમ વિસર્જન સ્થળ પર કરી નાખ્યા હતા. જોકે હજી સુધી કાંદિવલી (પશ્ર્ચિમ)ના મહાવીર નગરના ‘કાંદિવલી ચા શ્રી’ મંડળ સહિત બોરીવલીના કાર્ટર રોડના એક મંડળે પોતાની ગણેશમૂર્તિનું વિસર્જન પરંપરાગત રીતે દરિયામાં જ કરવાનો આગ્રહ રાખ્યો છે. જોકે પાલિકાએ અને પોલીસે મંજૂરી આપી ન હોવાથી તેઓએ ગણેશમૂર્તિને ઢાંકીને પાછી મંડપમાં રાખી દીધી છે અને હવે આ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે ત્યારે ‘કાંદિવલી ચા શ્રી’ મંડળની શનિવારે આ બાબતે અગત્યની બેઠક રાખી હોઈ આગળના પગલા બાબતે નિર્ણય લેવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.