Ganesh Festival: PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ, પણ ધીરે ધીરે…
તબક્કાવાર પદ્ધતિએ પ્રતિબંધ અમલમાં મુકાશે
મુંબઈ: પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક એવા પીઓપી(પ્લાસ્ટર ઑફ પેરિસ)ના ઉપયોગ પર લગામ મૂકવા માટે ગણેશોત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ગણેશોત્સવનો વ્યાપ, મોટી ગણેશમૂર્તિઓ અને Ganeshotsavના તહેવાર પર આધાર રાખી જેનો જીવનનિર્વાહ ચાલે છે તેવા મૂર્તિકારોની વિડંબણાને ધ્યાનમાં રાખીને પીઓપી પર પ્રતિબંધની અમલબજાવણી તબક્કાવાર પદ્ધતિએ કરવામાં આવશે.
Bombay High Courtમાં પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ વિશે ચાલી રહેલી સુનાવણી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ઉક્ત માહિતી હાઇ કોર્ટને આપી હતી. હાઇ કોર્ટમાં સેન્ટ્રલ પોલ્યુશન બૉર્ડ અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંન્ટ્રોલ બૉર્ડ દ્વારા પીઓપીના ઉપયોગ પર મૂકાયેલા પ્રતિબંધ છતાં તેનો ઉપયોગ થતો હોવા બાબતે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન પાલિકાએ હાઇ કોર્ટમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
આ પણ વાંચો : પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી: સુધરાઈએ ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી આપી મફતમાં, માટી માટે ૭૦૦થી વધુ અરજી
ઉલ્લેકનીય છે કે પાલિકા દ્વારા પીઓપીના બદલે શાડૂની માટીનો ઉપયોગ કરીને ગણેશ ભગવાનની મૂર્તિઓ બનાવવા અંગે મૂર્તિકારોને સૂચના આપવામાં આવી હતી અને એ માટે ગણેશ મંડળો, મૂર્તિકારો અને સંબંધિત સંસ્થાઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી. નાગરિકો પણ પર્યાવરણને બચાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું. જોકે, એકસાથે તાત્કાલિક ધોરણે પીઓપીનો ઉપયગ બંધ કરવાનું શક્ય ન હોઇ તબક્કાવાર ધોરણે પીઓપીની મૂર્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમ પાલિકાએ હાઇ કોર્ટને જણાવ્યું હતું. પાલિકાની સૂચનાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પીઓપીનો ઉપયોગ કરી મૂર્તિ બનાવનારાને 20,000 રૂપિયાના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.