ખારમાં રસ્તાનું કંગાળ કામ: એેન્જિનિયરના સસ્પેન્શન સામે યુનિયની નારાજગી

મુંબઈ: સુધરાઈના એચ-પશ્ર્ચિમ વોર્ડના રોડ ડિપાર્ટમેન્ટના સબ-એન્જિનિયર સસ્પેન્ડ કરવાને ખોટો નિર્ણય ગણાવીને મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશને સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને ચોખ્ખા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. એન્જિનિયરને રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ યુનિયને કર્યો છે.
પશ્ર્ચિમ ઉપનગરમાં લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાના કૉંક્રીટના રસ્તાનાં કામ ચાલી રહ્યા છે. દરરોજ લગભગ ૩,૦૦૦ ક્યુબિક મીટરના કૉંક્રીટીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. એક સબ-એન્જિનિયર પાસેે લગભગ દસથી બાર રસ્તાનાં કામ આપવામાં આવ્યા છે. નિયમ મુજબ એચ-પશ્ર્ચિમ વોર્ડમાં આ કામ માટે ૧૧૦ સબ-એેન્જિનિયરની આવશ્યકતા સામે માત્ર ૩૫ સબ-એન્જિનિયર આ કામ રાત-દિવસ કરી રહ્યા છે. તેમના કામ માટે શાબાશી આપવાને બદલે સસ્પેન્ડ કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તમામ જવાબદારી કૉન્ટ્રેક્ટરની હોવા છતાં વગર વાંકે એન્જિનિયરને દંડવામાં આવ્યો હોવાનું યુનિયને પોતાના પત્રમાં કમિશનરને લખ્યું છે.
યુનિયનના દાવા મુજબ રસ્તા ખાર પશ્ર્ચિમમાં ૩૪મા રોડના ઈન્સ્પેકશન દરમ્યાન એડિશનલ કમિશનરે રસ્તાના કામની ગુણવત્તા ખરાબ જણાઈ આવી હતી અને તેને માટે સંંબંધિત એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. રો-મટિરિયલની જવાબદારી કૉન્ટ્રેક્ટર તથા ક્વોલિટી કંટ્રોલ એજન્સીની હતી. સબ-એન્જિનિયરને એક કામ માટે લગભગ ૪૦ પ્રકારના રેકોર્ડ રાખવા પડે છે. સસ્પેન્ડ કરવામાં આવેલા સબ-એન્જિનિયર પાસે ૨૬ સાઈટ્સના કામ હતા. તે માટે તેણે ૧,૦૪૦ રેકોર્ડ બનાવવાના હોય છે. રેકોર્ડ બનાવવાથી લઈને પ્રત્યક્ષ રીતે સાઈટ પર હાજર રહેવાનું, નાઈટ શિફ્ટ કરવાની હોય છે. તેની સામે તેને કોઈ પ્રકારનું ભથ્થુ આપવામાં આવતું નથી, ત્યારે તેના કામને વખાણવાં બદલે તેને ખોટી રીતે સસ્પેન્ડ કરીને અન્યાય કરવામાં આવ્યો છે, તેથી તાત્કાલિક પ્રશાસને તેના સસ્પેન્શનને પાછું ખેંચવું એવી માગણી પણ યુનિયને કરી છે.
આ પણ વાંચો…પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચાડનારને BMC એ ફટકાર્યો ૮૩ લાખનો દંડ…