IAS Pooja ખેડકરના મેડિકલ ચેક-અપ અંગે આવ્યો ચોંકાવનારો અહેવાલ…

મુંબઈ: જુનિયર કર્મચારીઓ પર જોહુકમી, નકલી સર્ટિફિકેટના આરોપ, મોંઘીદાટ પર્સનલ ઓડી કાર પર લાલ-ભૂરી બત્તી, યુપીએસસી (Union Public Service Commission-UPSC)માં ઓછી રેન્ક છતાં પસંદગી જેવા અનેક આરોપોસર વિવાદમાં ઘેરાયેલી પ્રોબેશનરી આઇએએસ પૂજા ખેડકરે અહમદનગરની જિલ્લા હૉસ્પિટલમાંથી દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું જણાયું છે.
ફક્ત એટલું જ નહીં, યુપીએસસી દ્વારા ફરજિયાત એવા મેડિકલ ચેક-અપ માટે વારંવાર બોલાવવામાં આવી હોવા છતાં પૂજા ન પહોંચી હોવાની માહિતી પણ મળી છે.
પૂજા પર ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અને દિવ્યાંગતાના સર્ટિફિકેટનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે જેથી તે તેમની શ્રેણી(ક્વોટા) હેઠળ યુપીએસસીમાં પસંદગી પામી શકે. હવે તપાસમાં જણાયું છે કે 2018માં અહમદનગરની જિલ્લા હૉસ્પિટલ દ્વારા પૂજાને આંખોથી કમજોર હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ?
ચોંકાવનારી વાત એ છે કે આ જ હૉસ્પિટલ દ્વારા 2021માં પૂજાને માનસિક રીતે બીમાર હોવાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ વાતની જાણકારી અહમદનગર ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન ડૉક્ટર સંજય ઘોગારેએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે યુપીએસસી દ્વારા દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મેળવવા માગતા ઉમેદવારોની ચકાસણી માટે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂ્ટ ઑફ મેડિકલ સાયન્સીસ (દિલ્હી)ની નિણૂંક કરી છે. હૉસ્પિટલ દ્વારા વારંવાર બોલાવવામાં આવી હોવા છતાં પૂજા મેડિકલ ચેક-અપ માટે પહોંચી ન હોવાની ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.