પારલીમાં ફરીથી મતદાન યોજવામાં આવશે? જુઓ શું માગણી કરી શરદ પવારની એનસીપીએ
મુંબઈ: શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા પારલી તહેસીલમાં ફરીથી મતદાન કરાવવામાં આવે, તેવી માગણી કરવામાં આવી છે. બીડના પારલી તહેસીલમાં અમુક મતદાન કેન્દ્રોમાં સત્તાધારી પક્ષના ઉમેદવાર દ્વારા બૂથ કેપ્ચરીંગ(મતદાન કેન્દ્રનો કબજો લઇ લેવો)નો આરોપ મૂકીને ફરીથી મતદાન યોજવાની માગણી એનસીપી(શરદચંદ્ર પવાર) દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મતવિસ્તારમાંથી ભાજપના પંકજા મુંડે એનસીપી(શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર બજરંગ સોનાવણે સામે ઊભા રહ્યા હતા.
બજરંગ સોનાવણે દ્વારા આ મામલે રિટર્નિંગ ઑફિસર અને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 13મી મેના રોજ અહીં ચૂંટણી યોજવામાં આવી ત્યારે જ આ મામલે ફરિયાદ કરી હોવાનું બજરંગ સોનાવણેએ જણાવ્યું હતું. જોકે હજી સુધી અધિકારીઓ દ્વારા આ મામલે કોઇપણ સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનું સોનાવણેએ જણાવ્યું હતું. સોનાવણેએ આ મામલે બારામતી લોકસભાના સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવાની માગણી પણ કરવામાં આવી છે. અહીં 45 મીનિટ માટે વીડિયો રેકોર્ડિંગ ફેસિલિટી બંધ કરી દેવામાં આવી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો .
એનસીપી દ્વારા પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા બોગસ વોટીંગ એટલે કે નકલી મતદાન માટે ખોટી પાસબુક વહેંચવાનો આરોપ મૂકી તેની વિરુદ્ધ કાર્યવાહીની માગણી પણ કરવામાં આવી છે.