દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત બાવનકુળેના નામે નોંધાયેલી ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે (9 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે, તેમાં ભાજપના નેતાના પુત્રનું નામ નથી. આ કેસમાં ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના સીતાબુલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે અર્જુન હાવરે અને રોનિત ચિંતનવર નામના બે યુવકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને નશામાં હતા. તેમના મેડિકલ રિપોર્ટ આવવાના બાકી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે ઓડી કારની સ્પીડ 150 કિમી પ્રતિ કલાક હતી. પહેલા કારે બાઇકને ટક્કર મારી હતી. ત્યાર બાદ એ જ ઓડી કારે જિતેન્દ્ર સોનકાંબલે નામના વ્યક્તિની કારને અને ફરી ત્રીજી કારને ટક્કર મારી હતી. એમ જાણવા મળ્યું હતું કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ચંદ્રશેખર બાવનકુળેનો પુત્ર સાંકડે પણ કારમાં હતો. એવી માહિતી આવી રહી છે કે તે કારની પાછળની સીટ પર બેઠો હતો.
આ અકસ્માતને લઈને હવે રાજકારણ ગરમાવા લાગ્યું છે અને વિપક્ષ સરકારને ઘેરવાનો મોકો ગુમાવવા નથી માગતો. સુષ્મા અંધારેએ એફઆઈઆરમાં બાવનકુળેના પુત્ર સંકેતનું નામ અને કારનો નંબર કેમ નથી તેવો સવાલ કરીને ટીકા કરી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ આ મુદ્દે ફડણવીસને સવાલ પૂછ્યો છે કે શું દરેક સાથે આવો સમાન વ્યવહાર કરવામાં આવશે?
આ ઘટના વિશે પત્રકારો સાથે વાત કરતી વખતે મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ સ્વીકાર્યું હતું કે ઓડી કાર તેમના પુત્ર સંકેતના નામે રજીસ્ટર છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ કોઈપણ પક્ષપાત વગર આ અકસ્માતની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરે એવું તેઓ ઈચ્છે છે અને દોષિતો સામે કાર્યવાહી થવી જ જોઈએ તેમજ તેમની સામે યોગ્ય પગલા પણ લેવાવા જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમણે કોઈ પોલીસ અધિકારી સાથે વાત કરી નથી અને કાયદો બધા માટે સમાન છે.