જોજો હો હરિયાણાવાળી ન થાયઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતાઓને આપી સલાહ…
મુંબઈઃ સાવ નજરની સામે દેખાતી હરિયાણાની જીત હારમાં પલટાતી જોયા બાદ કૉંગ્રેસ હવે મહારાષ્ટ્રની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. સવારે સાડા આઠે જલેબી વહેંચ્યા બાદ નવ વાગ્યે બાજી પલટાતા પક્ષએ હરિયાણામાં સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ હજુ આ હારને પચાવી શક્યું નથી ત્યાં બીજા ખૂબ જ મોટા અને અતિ મહત્વના રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે ગઈકાલે જ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના નેતાઓની એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રની ચૂંટણીની ચર્ચા થઈ હતી ત્યારે રાહુલ ગાંધીએ તમામ નેતાઓને એક સોનેરી સલાહ આપી છે. લોકસભાના પરિણામોમાં કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં સારા દેખાવ સાથે બેઠી થઈ છે અને નેતાઓમાં ઉત્સાહ છે, પરંતુ ગાંધીએ સલાહ આપી છે કે આ ઉત્સાહ અતિ વિશ્વાસ એટલે કે ઑવર કોન્ફીડન્ટમાં ન પરિણમે અને મહેનત કરવામાં કોઈ કચાશ રહી ન જાય. માત્ર કૉંગ્રેસ જ નહીં પણ એક્ઝિટ પોલ્સ પણ માની બેઠા હતા કે હરિયાણામાં ભાજપ હારશે, પણ કૉંગ્રેસના અતિ આત્મવિશ્વાસ અને જૂથબાજીએ ભાજપને હેટ્રિક કરવાનો મોકો આપ્યો છે. સ્વાભાવિક રીતે ભાજપ માટે આ ઘણું સકારાત્મક સાબિત થશે ત્યારે કૉંગ્રેસે વધુ મહેનત કરવાની રહેશે.
ચૂંટણીની તારીખો આવી ગઈ છે, પરંતુ હજુ સુધી મહાગઠબંધન બેઠકોની વહેંચણી કરી શકયું નથી. લોકસભામાં 13 બેઠક પર વિજય મળ્યો હોવાથી કૉંગ્રેસ વધારે બેઠક પર દાવો કરે છે, પરંતુ, રાજ્યમાં શિવસેના (યુબીટી) અને શરદ પવાર (એનસીપી) પ્રાદેશિક પક્ષ તરીકે સારું પ્રભુત્વ ધરાવે છે, આથી તેઓ કૉંગ્રેસને મોટો ભાઈ થવા દેવા તૈયાર નથી. આ સ્થિતિમાં કૉંગ્રેસના જ નેતાઓ જો એકબીજાને ખેંચે અને આત્મવિશ્વામાં રહી મહેનત અન આયોજનમાં કચાશ રાખે તો મહારાષ્ટ્રના પરિણામો પણ હરિયાણા જેવા નિરાશાજનક આવે, તેવી ભીતિને ધ્યાનમાં લઈ રાહુલે પહેલેથી જ પક્ષને સાબદો કરી દીધો છે, હવે રાજ્યના નેતાઓ ‘શેઠ’ની શિખામણને કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનું છે.