આમચી મુંબઈ

પોલીસના સ્વાંગમાં અપહરણ બાદ લૂંટ: આઠ જણ બેંગલુરુમાં પકડાયા

થાણે: પોલીસના સ્વાંગમાં વ્યાવસાયિકનું કથિત અપહરણ કર્યા બાદ 31.73 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં નવી મુંબઈ પોલીસે આઠ આરોપીની બેંગલુરુમાં ધરપકડ કરી હતી.

સાનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દેવીદાસ કાતલેએ જણાવ્યું હતું કે આરોપીઓને બેંગલુરુના અપપેટ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. ઘટના 31 મેની સવારે નવી મુંબઈના જુઈનગર વિસ્તારમાં બની હતી.

એટીએમમાં અન્યો માટે રોકડ જમા કરાવવાનો વ્યવસાય ધરાવતા ફરિયાદીને આરોપીઓએ ટાર્ગેટ કર્યો હતો. ફરિયાદી સવારે રાષ્ટ્રીયકૃત બૅન્કની જુઈનગર શાખામાં ગયો ત્યારે એક આરોપી તેની નજીક આવ્યો હતો. પોલીસની ઓળખ પોલીસ તરીકેની આપી આરોપીએ ગાળાગાળી કરી હતી અને ફરિયાદીને જબરદસ્તી કારમાં બેસાડ્યો હતો.

આ પણ વાંચો: પનવેલ રેલવે સ્ટેશન બહારથી બાળકીનું અપહરણ: 24 કલાકમાં મહિલા પકડાઈ

ફરિયાદીને ધમકી આપી તેની પાસેની 31.73 લાખની રોકડ ઝૂંટવી લેવામાં આવી હતી. બાદમાં ફરિયાદીને પામ બીચ રોડ પર છોડી આરોપી ફરાર થઈ ગયા હતા.

તપાસ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી કારને શોધી કાઢી હતી. કારના ડ્રાઈવરની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ પોતાની ઓળખ કેરળ સાયબર પોલીસના અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ ડ્રાઈવરની કાર સાનપાડા બ્રિજથી લીધી હતી અને ગુનો આચર્યા પછી ફરી ત્યાં જ છોડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

લૂંટ બાદ ટોળકી બેંગલુરુ ફરાર થઈ હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સાનપાડા પોલીસની ટીમ બેંગલુરુ ગઈ હતી. આરોપીઓ કેરળ અને તમિલનાડુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી 30.4 લાખની મતા હસ્તગત કરવામાં આવી હતી.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button