પોલીસ સ્ટેશનમાં ગોળીબાર: ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો
થાણે: ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ હવે એસસીએસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દ્વારલી ગામમાં રહેતી મહિલાની ફરિયાદને આધારે હિલલાઈન પોલીસે આ ગુનો નોંધ્યો હતો. 31 જાન્યુઆરીએ વિવાદિત જમીન પર વિધાનસભ્ય ગણપત ગાયકવાડ તેના સમર્થકો સાથે આવ્યો હતો. મહિલા સાથે થયેલી બોલાચાલી બાદ તેના માટે જાતીવાચક ટિપ્પણી કરવામાં આવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
હિલલાઈન પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની કૅબિનમાં શુક્રવારની રાતે ગણપત ગાયકવાડે કલ્યાણના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને તેના સાથી પર ગોળીબાર કર્યો હતો. ગાયકવાડે છ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ ઘટનામાં મહેશ ગાયકવાડ અને તેનો સાથી જખમી થયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણપત ગાયકવાડ સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વિધાનસભ્ય અને અન્ય સાત જણ વિરુદ્ધ મહિલાની ફરિયાદને આધારે શનિવારે હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલાના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છેે. ફરિયાદી મહિલા વિવાદિત જમીનની માલિક હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)