રિક્ષામાં ભુલાઈ ગયેલા 18.50 લાખના દાગીના પોલીસે શોધી કાઢ્યા
મુંબઈ: ડોમ્બિવલીમાં મહિલા 18.50 લાખ રૂપિયાના સોનાના દાગીના ભરેલી બૅગ રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ કરી રિક્ષાવાળાને શોધી કાઢ્યો હતો અને દાગીના મહિલાને સુપરત કર્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ ડોમ્બિવલી પૂર્વમાં એમઆઈડીસી ફેસ-2 ખાતે રહેતી અશ્ર્વિની અજય કિર્પેકર (47) બુધવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ માનપાડા પરિસરમાં આવેલા ગણપતિ મંદિરથી ડોમ્બિવલી રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેઠી હતી. સ્ટેશને ઊતર્યા પછી તેના ધ્યાનમાં આવ્યું હતું કે એક બૅગ રિક્ષામાં જ રહી ગઈ હતી.
આપણ વાંચો: Gandhinagar માં ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, હત્યારાની ધરપકડ
મહિલાએ પહેલાં સ્ટેશન બહારના પરિસરમાં શોધખોળ કર્યા છતાં સંબંધિત રિક્ષા મળી નહોતી. તેણે તાત્કાલિક ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બૅગમાં 18.50 લાખ રૂપિયાના સોનાના દાગીના અને કપડાં હોવાનું મહિલાએ કહ્યું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈ અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાંના સીસીટીવી રૂમમાં તેમની હદમાં લાગેલા કૅમેરાનાં ફૂટેજ તપાસી રિક્ષાને ઓળખી કાઢી હતી. રિક્ષાના નંબરને આધારે ડ્રાઈવરને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલી બૅગ પોલીસે મહિલાને પરત કરી હતી. દાગીના ફરી મળતાં મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.