પોલીસ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી: દરવાજે તાળું જોઈ પાછી ફરી
આસામ પોલીસ પણ પૂછપરછ માટે અલાહાબાદિયાની રાહ જોતી બેઠી છે

મુંબઈ: ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’શોમાં માતા-પિતાને ઉદ્દેશીને બીભત્સ સવાલ કરીને વિવાદનો મધપૂડો છેડનારા જાણીતા પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાને બબ્બે વાર સમન્સ મોકલાવ્યા છતાં તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો.
આખરે ખાર અને આસામ પોલીસની ટીમ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી હતી, પરંતુ ફ્લૅટ લૉક હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમે પાછા ફરવું પડ્યું હતું.
લોકપ્રિય યુટ્યૂબર સમય રઈનાના કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં વડીલો અને સેક્સ સંબંધી અશ્ર્લીલ ટિપ્પણી કરવાને કારણે અલાહાબાદિયા વિવાદમાં સપડાયો હતો. શોમાં કરાતી કમેન્ટ્સને મામલે ચારેકોરથી ટીકા થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો: અશ્લીલ કોમેડી વિશે FIR નોંધાતા રણવીર અલાહાબાદિયાએ માગી માફી
અધિકારીએ જણાવ્યું હતું કે અલાહાબાદિયાની ટિપ્પણીને કારણે થયેલા વિવાદની તપાસ કરી રહેલી ખાર પોલીસની ટીમ આસામ પોલીસ સાથે શુક્રવારે અલાહાબાદિયાના વર્સોવા ખાતેના ફ્લૅટ પર ગઈ હતી, પરંતુ ફ્લૅટ લૉક હોવાનું જાણવા મળ્યું હતું.
અલાહાબાદિયાને નિવેદન નોંધાવવા માટે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ મીડિયાનો ડર હોવાનું કારણ બતાવી ગુરુવારે તે પૂછપરછ માટે આવ્યો નહોતો. પોલીસે તેને બીજી વાર સમન્સ આપી શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થવાનું કહ્યું હતું.
આપણ વાંચો: રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
યુટ્યૂબરે ખાર પોલીસને તેના ઘરે નિવેદન નોંધવાની વિનંતી કરી હતી, પરંતુ પોલીસે તેની વિનંતી નકારી કાઢી હતી.
દરમિયાન આસામ પોલીસ પણ ગુવાહાટીમાં નોંધાયેલા કેસ સંબંધી અલાહાબાદિયાની પૂછપરછ કરવા માગે છે.
અલાહાબાદિયા વર્સોવાના ફ્લૅટમાં ન મળતાં આસામ પોલીસની ટીમ પણ પાછી ખાર પોલીસ સ્ટેશનમાં આવી હતી. આ કેસમાં ખાર પોલીસે અત્યાર સુધીમાં સાત જણનાં નિવેદન નોંધ્યાં છે, જેમાં અલાહાબાદિયાના મૅનેજર અને ઈન્ફ્લુએન્સર અપૂર્વા મખિજાનો સમાવેશ થાય છે.
બીજી તરફ, આ પ્રકરણે એફઆઈઆર નોંધનારી મહારાષ્ટ્ર સાયબર પોલીસે 50 જણને સમન્સ મોકલાવીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું છે. (પીટીઆઈ)