દાદર સ્ટેશને ટ્રૉલી બૅગમાં યુવકનો મૃતદેહ લઈ જનારો પકડાયો: મિત્રની પણ ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા યુવકની દક્ષિણ મુંબઈના પાયધુની પરિસરમાં હત્યા કર્યા બાદ મૃતદેહને ટ્રૉલી બૅગમાં ભરી દાદર સ્ટેશને લઈ ગયેલા આરોપીને સતર્ક આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસે આપેલી માહિતીને આધારે પોલીસે તેના મિત્રની પણ ઉલ્હાસનગરથી ધરપકડ કરી હતી.
પાયધુની પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ જય પ્રવીણ ચાવડા અને શિવજીત સુરેન્દ્ર સિંહ તરીકે થઈ હતી. આરોપીઓની પૂછપરછ ચાલી રહી હોવાથી પોલીસે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: બિહારમાં ફરી પત્રકારની હત્યા, પત્રકારનો મૃતદેહ આંબાના ઝાડ પર લટકતો મળી આવ્યો
મળતી માહિતી અનુસાર દાદર રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-11 પર સોમવારની બપોરે પેટ્રોલિંગ કરી રહેલા આરપીએફના જવાન સંતોષકુમાર રામરાજ યાદવ (39)ની નજર મોટી ટ્રૉલી બૅગ લઈને જનારા આરોપી ચાવડા પર પડી હતી. શંકાને આધારે યાદવે ચાવડાને રોકી પૂછપરછ કરી હતી. ચાવડાએ સંતોષજનક ઉત્તર ન આપતાં યાદવે બૅગની તપાસ કરી હતી. બૅગ ખોલતાં જ યાદવને પણ આંચકો લાગ્યો હતો. બૅગમાંથી લોહીલુહાણ હાલતમાં બેભાન યુવક મળી આવ્યો હતો.
પૂછપરછમાં બેભાન યુવકની ઓળખ સાંતાક્રુઝ પૂર્વના કલિના વિસ્તારમાં રહેતા અર્શદ અલી સાદીક અલી શેખ (30) તરીકે થઈ હતી. તેના શરીર અને માથા પર ઇજાનાં નિશાન હતાં. સાયન હૉસ્પિટલમાં લઈ જવાયેલા શેખને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે દાદર રેલવે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: સિક્કિમના પૂર્વ પ્રધાનનો મૃતદેહ પશ્ચિમ બંગાળની નહેરમાં તરતો મળી આવતા ખળભળાટ
જોકે ચાવડાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શેખની હત્યા પાયધુની પરિસરમાં મિત્ર શિવજીત સિંહની મદદથી કરવામાં આવી હતી. મૃતદેહને ઠેકાણે પાડવાને ઇરાદે પાયધુનીથી દાદર લાવવામાં આવ્યો હતો. પરિણામે કેસની વધુ તપાસ પાયધુની પોલીસને સોંપાઈ હતી. પાયધુની પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાવડાના મિત્ર સિંહને ઉલ્હાસનગરથી પકડી પાડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.