આમચી મુંબઈ

ગણેશોત્સવ માટે પોલીસ દળ સજ્જ

રિદ્ધિ દે સિદ્ધિ દે, અષ્ટ નવ નિદ્ધિ દે…
આજથી શરૂ થનારો ગણેશોત્સવ દરેકના જીવનમાં સુખ-શાંતિ લાવે, સૌના ઘરે રિદ્ધિ-સિદ્ધિ આવે એવી બાપ્પા ચરણે પ્રાર્થના. ગણેશોત્સવ માટે પ્રશાસને સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. ગિરગામ ચોપાટી ખાતે વિસર્જન માટેની તૈયારીઓ પણ કરી લેવાઇ છે. ખેતવાડીની ૧૨મી ગલીના ‘ખેતવાડી ચા ગણરાજ’નું સોમવારે મુખદર્શન હતું. (જયપ્રકાશ કેળકર,
અમય ખરાડે)

પંડાલોની આસપાસ રહેશે કડક સુરક્ષા, અફવાઓ ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી
મુંબઈ: આજથી શરૂ થનારા ગણેશોત્સવ માટે પોલીસ દળ સજ્જ થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી બોમ્બ અને આતંકવાદી હુમલાની અફવાઓને કારણે મુંબઈ પોલીસ સતર્ક થઇ ગઇ છે. પ્રશાસન દ્વારા ગણેશોત્સવ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ અને સુરક્ષા પૂરી પાડતી તમામ એજન્સીઓ સજ્જ થઇ ગઇ છે.
પોલીસનું કહેવું છે કે મુંબઈના મોટા મોટા ગણેશ મંડળોએ પંદર દિવસ પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. પર્વોમાં સુરક્ષા પૂરી પાડવા માટે પોલીસ કમિશનર સાથે આઇપીએસ અધિકારીઓની વારંવાર બેઠકો થઇ હતી. સિવિલ ડ્રેસમાં ગણેશ પંડાલોની આસપાસ નજર રાખવામાં આવી રહી છે. ઉત્સવ દરમિયાન ડ્રોન દ્વારા ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા તથા સોશિયલ મીડિયા પર પણ અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સીસીટીવીની નજર રહેશે
મુંબઈ પોલીસે ગણેશોત્સવના મંડળોને પંડાલની આસપાસ સીસીટીવી કેમેરા બેસાડવાનું કહ્યું છે. તેથી કોઇ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓને ટાળી શકાશે તથા ભીડ પર નિયંત્રણ મૂકી શકાશે. મુંબઈમાં પોલીસ તરફથી ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે.
સંવેદનશીલ વિસ્તારોમાં કડક વ્યવસ્થા
એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર આ વખતે વિસ્તાર પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરાઇ છે અને તે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારાના પોલીસની મદદ લેવાઇ રહી છે. માલવણી, માનખુર્દ, વડાલા અને મોહમ્મદ અલી રોડ જેવા વિસ્તારો પર ચાંપતી નજર રાખવામાં આવશે.
રેલવેમાં નો-બ્લોક
ગણેશોત્સવમાં મુંબઈમાં થનારી ભીડને ધ્યાનમાં રાખીને મધ્ય, પશ્ર્ચિમ રેલવેએ કોઇ પણ પ્રકારનો બ્લોક ન રાખવાનું નક્કી કર્યું છે. તેથી ગણેશભક્તોને રાહત થશે. મુંબઈના લાલબાગ, પરેલ, ખેતવાડી, ગિરગામ તથા અન્ય ભાગોમાં દર્શન માટે લોકોની ભીડ જામતી હોય છે. હજારો લોકો ઠેકઠેકાણેથી અહીં રેલવે માર્ગે આવતા હોય છે.
છેલ્લા પાંચ દિવસ રાતભર દોડશે બેસ્ટની બસ
ગણેશોત્સવ દરમિયાન છેલ્લા પાંચ દિવસ બેસ્ટ દ્વારા રાતભર બસ દોડાવવામાં આવશે. આ માટે બેસ્ટ પ્રશાસન વધારાની વીસ બસ દોડાવશે. પહેલા પાંચ દિવસ ઘણા લોકો મુંબઈથી પોતાને ગામે ગણેશોત્સવની ઉજવણી માટે ગયા હોય છે. ત્યાર બાદ તેઓ મુંબઈ પાછા ફરતા હોય છે. આ સિવાય મુંબઈમાં પણ ઘણા લોકો ઘરગુથ્થી ગણપતિ પધરાવતા હોય છે. તેથી છેવટના દિવસોમાં મુંબઈમાં જોરદાર ભીડ જામતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને બેસ્ટે છેલ્લા પાંચ દિવસ રાતભર બસ દોડાવવાનું નક્કી કર્યું છે.
ટ્રાફિકજામની સમસ્યા સૌથી મોટો પડકાર
ગણેશોત્સવ દરમિયાન રસ્તાઓ પર પણ પંડાલ બનાવવામાં આવતા હોય છે. તેથી આગામી બે અઠવાડિયા સુધી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની શકે છે. આ સિવાય દોઢ, પાંચ, સાત અને દસમા દિવસ ગણેશ વિસર્જન નિમિત્તે અમુક મુખ્ય માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે. ભીડવાળી જગ્યાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વરલી સ્થિત ટ્રાફિક પોલીસ હેડઓફિસ દ્વારા શહેરના તમામ ૪૧ ટ્રાફિક ડિવિઝનના અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે. આ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, ટ્રિપલ સીટ, વગર હેલ્મેટ અને બેદરકારી રીતે વાહન હંકાવનારાઓ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ છે. ઉ

વરસાદનું વિઘ્ન યથાવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવની ઊજવણી આ વખતે ભીની-ભીને રહે એવી શક્યતા છે. મુંબઈમાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, તો રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી લઈને મુસળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ મુંબઈ, પુણે સહિત પાંચ જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે.ચોમાસું ફરી સક્રિય થવાને કારણે અનેક જિલ્લામાં ખેડૂતોને પણ રાહત થઈ છે. લાંબા સમય બાદ વરસાદ પડવાને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત થઈ છે. જોકે હજી અનેક જિલ્લામાં વરસાદ પડે તેની રાહ જોવાઈ રહી છે. મધ્ય ભારતમાં ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું હોવાથી તેની અસર રાજ્યને વર્તાઈ રહી છે. તેથી મુંબઈ સહિત રાજ્યમાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન ખાતાએ રાજ્યમાં મુંબઈ, પુણે, થાણે, રત્નાગિરી, રાયગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉ

મુંબઈમાં ૨,૭૨૯ મંડળોને પરવાનગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે ૧૮ સપ્ટેમ્બર સુધી સાર્વજનિક મંડળો તરફથી પંડાલ ઊભા કરવા માટે આવેલી કુલ અરજીઓમાંથી ૨,૭૨૯ અરજીને મુંબઈ મહાનગરપાલિકાએ મંજૂરી આપી દીધી છે. આ વર્ષે મંજૂરી મળેલા મંડળોની સંખ્યા કોવિડ પહેલા અને કોવિડ પછીના સમયગાળા કરતા વધુ હોવાનું સુધરાઈએ કહ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી ઑગસ્ટથી શહેરના રસ્તાઓ પર ગણપતિના મંડપ બાંધવા મંજૂરી લેવા માટે ઑનલાઈન ઍપ્લિકેશન શરૂ કરી હતી. મંડળોને મંજૂરી લેવા માટે વન વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, તેને કારણે ગણેશોત્સવ મંડળોને પોલીસ, ટ્રાફિક પોલીસ અને ફાયરબ્રિગેડ પાસે અલગથી મંજૂરી મેળવવા માટે અરજી નહીં કરતા એક જગ્યાએ મંડપ ઊભો કરવા માટે અરજી કરવાની હતી.
પાલિકાને સાર્વજનિક મંડળો તરફથી કુલ ૩,૭૬૭ અરજીઓ મળી હતી, તેમાંથી ૬૬૫ અરજી ડુપ્લિકેટ નીકળી હતી અને ૩૭૩ અરજી વિવિધ કારણથી નામંજૂર કરવામાં આવી હતી. પાલિકા આપેલા ડેટા મુજબ ૨૦૨૨માં ૨,૪૧૭ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. ૨૦૨૧-૨૦૨૦ના કોવિડ મહામારીના સમયગાળામાં આ સંખ્યા લગભગ ૨,૦૦૦ની હતી. જ્યારે ૨૦૧૯માં તે ૨,૬૧૫ની હતી.પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ગણેશોત્સવના પ્રભારી) રમાકાંદ બિરાદારે જણાવ્યું હતું કે મંજૂર કરાયેલી અરજીઓ પાછલા વર્ષોની સરખાણીમાં આ વર્ષે વધુ છે. જોકે પેન્ડિંગ અરજીને આગામી બે દિવસમાં ટ્રાફિક પોલીસ પાસેથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ મળ્યા બાદ આ સંખ્યામાં વધારો થશે. ઉ

ચંદ્રયાન – ૩, અયોધ્યામાં રામ મંદિરની થીમ પ્રચલિત
મુંબઈ: મંગળવારથી શરૂ થયેલા ગણેશોત્સવમાં શહેરના વિવિધ પંડાલમાં આ વખતે ચંદ્રયાન – ૩થી લઈ અયોધ્યાના રામ મંદિર સુધીના વિવિધ વિષયો જોવા મળશે. ૧૦ દિવસ ચાલનારા આ ઉત્સવમાં સહભાગી થવા શહેર સજજ થઈ ગયું છે. આ ઉત્સવની પુર્ણાહુતી ૨૮ સપ્ટેમ્બરે થશે. સાજ સજાવટની વસ્તુઓ તેમજ ફૂલ અને પૂજાની સામગ્રી ખરીદવા મુંબઈગરા દાદર, ક્રાફર્ડ માર્કેટ અને લોહાર ચાલના વિસ્તાર ખૂંદી વળ્યા છે.
આ વર્ષે ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે એ વિવિધ પંડાલમાં લોકોને વિશિષ્ટ પ્રકારની સજાવટ અને શણગાર સાથે અનોખા વિષયની ઝલક પણ જોવા મળવાની છે. સાર્વજનિક ગણેશ પંડાલની મુલાકાત લેનારા ભક્તજનોને ચંદ્રયાન – ૩, અયોધ્યા રામ મંદિર, મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું ૩૫૦મું વર્ષ વગેરે વિષય આવરી લેવાયા હોવાનું જોવા મળશે. મોટાભાગના મોટા મંડળની ગણેશ મૂર્તિ આવી ગઈ છે. (પીટીઆઈ)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો